ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ નવેમ્બર માસના હાઈબ્રિડ ગાંજાના વેચાણના કેસમાં લાંબા સમયથી નાસતા-ફરતા આરોપી વંશ ઉદ્દાશીને સુરતના અડાજણ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસ અગાઉ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ જપ્ત કરી ચૂકી છે, જેમાં હવે વધુ એક મહત્વની કડી પોલીસના હાથે લાગી છે. ગત નવેમ્બર મહિનામાં અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે એક્ટિવા પર નશાનો કારોબાર ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે આકાશ યાદવ નામના શખ્સને આંતરી તેની પાસેથી હાઈબ્રિડ ગાંજાનો જથ્થો રિકવર કર્યો હતો. આ સમગ્ર ઓપરેશનમાં પોલીસે અંદાજે 2.70 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ નેટવર્ક પાછળ કોણ છે તેની તપાસ તેજ કરી હતી.
તપાસ દરમિયાન ખુલ્યું હતું કે સુરતના અડાજણનો વંશ શીતકુમાર ઉદ્દાશી આ ગુનામાં સીધી રીતે સંડોવાયેલો હતો અને ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. ભરૂચ SOG ની ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીના લોકેશનને ટ્રેક કરી તેને અડાજણથી દબોચી લેવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી આ નશાના કાળા કારોબારના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી પૂછપરછ શરૂ કરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com