વાગરામાં માસૂમની મોટી ઈબાદત: પવિત્ર રમઝાન માસમાં ભક્તિ અને સંયમની અનેક ગાથાઓ જોવા મળે છે, પરંતુ ભરૂચ જિલ્લાના વાગરા ખાતેથી આસ્થાનું એક અત્યંત સુંદર દ્રશ્ય સામે આવ્યું છે. વાગરાના વાંતા વિસ્તારમાં રહેતા અને મૂળ પાદરા તાલુકાના ભોજ ગામના વતની સિરાજ ચાવડાના ૧૧ વર્ષીય પુત્ર અક્રમ ચાવડાએ આ નાની ઉંમરે પોતાનો પ્રથમ રોજો પૂર્ણ કરી અલ્લાહની ઈબાદતમાં ડગ માંડ્યા છે. વર્તમાન સમયમાં જ્યારે સૂર્યદેવ આકરા મિજાજમાં છે અને તાપમાનનો પારો ઊંચે જઈ રહ્યો છે, ત્યારે મોટા વડીલો માટે પણ રોજો રાખવો કઠિન બની જતો હોય છે. આવા સમયમાં ૧૧ વર્ષના માસૂમ અક્રમે કાળઝાળ ગરમીની પરવા કર્યા વગર, મક્કમ મનોબળ સાથે દિવસભર અન્ન અને જળનો ત્યાગ કરી રોજો રાખ્યો હતો. તેની આ શ્રદ્ધા જોઈને પરિવાર અને આસપાસના રહીશો દંગ રહી ગયા છે.
નાની ઉંમર, મક્કમ નિર્ધાર: અક્રમની આ ધાર્મિક નિષ્ઠાને પ્રોત્સાહન આપવા માટે તેના પરિવારજનોમાં ભારે ખુશી જોવા મળી હતી. સાંજે ઈફ્તારના સમયે પરિવારે માસૂમ અક્રમને ફૂલહાર પહેરાવી અને મીઠાઈ ખવડાવીને તેની પ્રથમ ઈબાદતને યાદગાર બનાવી હતી. પિતા સિરાજભાઈએ જણાવ્યું હતું કે, અક્રમમાં નાનપણથી જ ધાર્મિક સંસ્કારો પ્રત્યે રુચિ રહી છે અને તેની આ હિંમતથી પરિવારનું ગૌરવ વધ્યું છે. રમત-ગમતની વયે અક્રમે જે રીતે સંયમ અને શિસ્તનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, તે અન્ય બાળકો અને યુવાનો માટે પ્રેરણાદાયી બની રહ્યું છે. બાળકની આ માસૂમ બંદગીમાં માત્ર પોતાના પરિવારની ખુશી જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની ભલાઈ અને શાંતિની દુઆ પણ સામેલ હતી.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com