પરિવારમાં ખુશીનો માહોલ અને બાળાની જીદ: સમગ્ર વિશ્વમાં અત્યારે ઇસ્લામ ધર્મનો સૌથી પવિત્ર ગણાતો રમઝાન માસ ચાલી રહ્યો છે. આ માસમાં મુસ્લિમ બિરાદરો આકરી ગરમીમાં પણ કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા રહીને ખુદાની ઈબાદત કરતા હોય છે. ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા નગરમાંથી આસ્થા અને અતૂટ શ્રદ્ધાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે પંથકના લોકોમાં આશ્ચર્યની સાથે ગૌરવની લાગણી જન્માવી છે. વાગરાની ઉમેર પાર્ક સોસાયટીમાં રહેતી માત્ર 4 વર્ષની બાળા માહિરાએ કાળઝાળ ગરમી વચ્ચે પણ પોતાના જીવનનો પ્રથમ રોજો રાખીને સૌના દિલ જીતી લીધા છે. મૂળ વસ્તી ખંડાલી ગામના વતની અને હાલ વાગરા ખાતે રહેતા સદ્દામ બશીર ભટ્ટીની પુત્રી માહિરાએ જ્યારે તેના માતા-પિતા અને પરિવારના સભ્યોને રોઝા રાખતા જોયા ત્યારે તેના મનમાં પણ ખુદાની બંદગી કરવાની પ્રબળ ઈચ્છા જાગી હતી. માત્ર ચાર વર્ષની નાની ઉંમર હોવા છતાં માહિરાએ રોજો રાખવાની જીદ પકડી હતી. શરૂઆતમાં પરિવારને ચિંતા હતી કે આટલી નાની બાળા આખો દિવસ ભૂખ્યા-તરસ્યા કેવી રીતે રહેશે, પરંતુ માહિરાના મક્કમ નિર્ધાર સામે પરિવારે પણ સંમતિ આપવી પડી હતી.

કાળઝાળ ગરમીમાં પણ મક્કમ મનોબળ, કોમી એકતા અને દેશ માટે પવિત્ર દુઆ: વર્તમાન સમયે ગરમીનો પારો આસમાને છે, ત્યારે પુખ્ત વયના લોકો માટે પણ રોજો રાખવો કઠિન બને છે. તેવામાં માસૂમ માહિરાએ વહેલી સવારે સેહરી કરી રોજાના સંકલ્પ સાથે દિવસની શરૂઆત કરી હતી. આખો દિવસ રમત-ગમતમાં વ્યસ્ત રહેવા છતાં તેણે પાણી કે ખોરાકને સ્પર્શ પણ કર્યો ન હતો. સાંજની ઇફ્તારી સમયે જ્યારે તેણે રોજો ખોલ્યો ત્યારે તેના ચહેરા પર એક અનોખો સંતોષ અને તેજ જોવા મળ્યું હતું. માહિરાએ માત્ર રોજો રાખીને પોતાની આસ્થા જ પ્રગટ નથી કરી, પરંતુ તેણે આ પવિત્ર ઘડીએ દેશના ભલા માટે પણ પ્રાર્થના કરી હતી. તેણે અલ્લાહ પાસે દુઆ માંગી હતી કે, ભારત દેશમાં હંમેશા શાંતિ અને અમન કાયમ રહે, હિન્દુ-મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો ભાઈચારા સાથે હળીમળીને રહે અને દેશમાંથી નફરત દૂર થઈ કોમી એકતાનો દીવો હંમેશા પ્રજ્વલિત રહે. એક ચાર વર્ષની બાળાના મુખે આવી સમજદારી અને પ્રેમભરી વાતો સાંભળીને સૌ કોઈ ભક્તિભાવમાં ગરકાવ થઈ ગયા હતા. માહિરાએ સફળતાપૂર્વક પોતાનો પ્રથમ રોજો પૂર્ણ કરતા પરિવારજનો અને સ્નેહીજનોમાં ખુશીનો પાર રહ્યો ન હતો. પિતા સદ્દામ ભટ્ટી અને પરિવારના સભ્યોએ તેને ફૂલહાર પહેરાવી, મીઠાઈ ખવડાવીને તેની આ અદભૂત સિદ્ધિને વધાવી લીધી હતી. આ નાનકડી બાળાની હિમ્મત અને આસ્થા સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે અને લોકો તેને અભિનંદન પાઠવી રહ્યા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com