ઔદ્યોગિક નગરી ભરૂચની GIDCમાં આવેલી એક ખાનગી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. GIDC ફેઝ-2માં સ્થિત તુષાર ટ્રાન્સ ઇકવિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (યુનિટ-2) નામની કંપનીના પ્લાન્ટમાં અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા કામદારોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, સમયસર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા મોટી હોનારત ટળી હતી. આગ લાગવાની ઘટનાની ગંભીરતાને જોતા ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરો તેમજ GNFCની ખાસ ફાયર ટીમ તાત્કાલિક અદ્યતન સાધનો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. લશ્કરોએ પાચ-પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને ટૂંકા સમયમાં તેના પર અંકુશ મેળવી લીધો હતો. ઔદ્યોગિક વિસ્તાર હોવાને કારણે આગ વિકરાળ બને તે પહેલા તંત્ર દ્વારા લેવાયેલા ત્વરિત પગલાંને કારણે મોટું નુકસાન થતું અટક્યું છે.

રાહતના સમાચાર એ છે કે, આ દુર્ઘટનામાં કોઈ કામદાર કે કર્મચારીને ઇજા કે જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તબક્કે આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા કેમિકલ પ્રક્રિયાને કારણે આગ લાગી હોવાની શંકા સેવવામાં આવી રહી છે. હાલમાં ફાયર વિભાગ અને કંપની તંત્ર દ્વારા આગના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com