Geo Gujarat News

અંકલેશ્વર: બાંગ્લાદેશી ઘૂસણખોરી અને માનવ તસ્કરીના મસમોટા નેટવર્કનો પર્દાફાશ, SIT એ 70 વિદેશી નાગરિકોને શોધી કાઢ્યા

તસ્કરીના નરકમાંથી 12 યુવતીઓનો છુટકારો: ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર શહેર હ્યુમન ટ્રાફિકિંગના આંતરરાષ્ટ્રીય રેકેટનું કેન્દ્ર બન્યું હોવાની આશંકા વચ્ચે પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT) એ ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે. બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે મહિલાઓને લાવી તેમને દેહવ્યાપારના કાળા કારોબારમાં ધકેલવાના કૌભાંડમાં SIT એ ઊંડી તપાસ કરતા અંકલેશ્વરમાંથી એક-બે નહીં પણ કુલ 70 જેટલા બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરી છે, જેઓ કોઈ પણ કાયદેસરના આધાર-પુરાવા વગર ભારતમાં વસવાટ કરી રહ્યા હતા. ભરૂચ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે જ્યારે અંકલેશ્વરમાં દરોડા પાડ્યા ત્યારે 12 બાંગ્લાદેશી યુવતીઓ અત્યંત દયનીય હાલતમાં મળી આવી હતી. આ મહિલાઓને ગેરકાયદે સરહદ ઓળંગાવીને મોટા આર્થિક લાભની લાલચે અહીં લાવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોતરવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી રાજ્ય સરકારે અને પોલીસ વિભાગે તાત્કાલિક SIT ની રચના કરી હતી, જેનું નેતૃત્વ ડી.વાય.એસ.પી. કુશલ ઓઝા સંભાળી રહ્યા છે.

49 મહિલાઓ સહિત 70 ઘૂસણખોરો રડારમાં : SIT ની બે મહિનાની મેરેથોન તપાસ બાદ હવે આ રેકેટનો અસલી ચહેરો સામે આવ્યો છે. તપાસમાં કુલ 70 એવા બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા છે જેઓ ભારતીય કાયદાનો ભંગ કરીને અહીં ઘૂસ્યા હતા. આ ટોળકીમાં 49 મહિલાઓ છે, જેમાંથી મોટાભાગની મહિલાઓ માનવ તસ્કરીનો શિકાર બની હોવાની આશંકા છે. આટલી મોટી સંખ્યામાં વિદેશી નાગરિકોની હાજરીથી સ્થાનિક સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. ડી.વાય.એસ.પી. કુશલ ઓઝાના જણાવ્યા મુજબ, પકડાયેલા તમામ શખ્સો વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઘૂસણખોરોને અંકલેશ્વરમાં આશરો આપનાર અને બોગસ દસ્તાવેજો બનાવવામાં મદદ કરનાર સ્થાનિક એજન્ટો પર પણ પોલીસની કડક નજર છે. આગામી દિવસોમાં આ મામલે વધુ ધરપકડો થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.