જંબુસરના વાવલી ગામ નજીક ગતરોજ સાંજે એક કાળજું કંપાવી દેતો અકસ્માત સર્જાયો હતો. જ્યાં મોટા ભાઈના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત એવા નાના ભાઈનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું. સાંજે આશરે ૫ વાગ્યાના સુમારે જંબુસર-પાદરા રોડ પર આવેલા વ્હાઇટ ડાયમંડ રિસોર્ટ પાસે આઈસર ટેમ્પો અને મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, દેવાંશભાઈ સુરેશભાઈ ઠાકોરના મોટા ભાઈના ઘરે લગ્નનો રૂડો અવસર હતો. ઘરમાં મહેમાનોની ચહલપહલ હતી અને લગ્ન વિધિ માટેની તૈયારીઓ ચાલી રહી હતી. વરરાજા બનેલા મોટા ભાઈ માટે દેવાંશભાઈ બાઇક પર જંબુસરથી ફૂલ લેવા માટે નીકળ્યા હતા. કોને ખબર હતી કે ફૂલ લેવા જઈ રહેલા દેવાંશનું જીવન જ કાળનો કોળિયો બની જશે. વાવલી ગામ નજીક પુરપાટ ઝડપે આવતા આઈસર ટેમ્પોએ તેમની બાઇકને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ જંબુસર પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એક તરફ વરરાજા ઘોડે ચઢવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં જ લાડકવાયા નાના ભાઈના મોતના સમાચાર મળતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. લગ્નના ઢોલ અને મંગળ ગીતોની જગ્યાએ ચારેબાજુ કરુણ રુદન અને આક્રંદના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com