જીવના જોખમે પશુની રક્ષા: માનવતા હજુ જીવંત છે તેનો ઉત્તમ દાખલો આમોદ તાલુકાના મછાસરા ગામે જોવા મળ્યો છે. ગત રાત્રે આશરે સાડા બાર વાગ્યાના સુમારે ગામની સીમમાં એક અસહાય અને નબળી હાલતમાં રહેલી નીલગાય પર રખડતા શ્વાનોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગામના એક જાગૃત યુવાનની સમયસૂચકતાને કારણે આ નિર્દોષ પ્રાણીનો જીવ બચી ગયો હતો. રાત્રિના અંધકારમાં જ્યારે શ્વાનોના ભસવાનો અવાજ સંભળાયો, ત્યારે સ્થાનિક યુવાન પટેલ સુહેલ (ઉર્ફે બાપુ) અને અન્ય મિત્રો તાત્કાલિક સીમ તરફ દોડી ગયા હતા. ત્યાં તેમણે જોયું કે ઝુંડમાં રહેલા શ્વાનો એક કમજોર નીલગાયને ઘેરી વળ્યા હતા. કોઈ પણ ડર રાખ્યા વિના સુહેલે અસાધારણ હિંમત દાખવી અને નીલગાયને શ્વાનોના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. ત્યારબાદ, તેમણે સુરક્ષાની દૃષ્ટિએ નીલગાયને પોતાના ઘર પાસે આવેલા અઢાળામાં સુરક્ષિત રીતે ખસેડી હતી.
સવાર પડતા વન વિભાગને સોંપાઈ, યુવાનના સાહસની ચારેકોર વાહવાહ: યુવાનો દ્વારા રાત્રે જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ મોડી રાત હોવાના કારણે વન વિભાગની ટીમ વહેલી સવારે મછાસરા ગામે પહોંચી હતી. સવારે વનકર્મીઓએ નીલગાયનો કબજો મેળવી તેને યોગ્ય સારવાર અને સંભાળ માટે વન વિભાગના કેન્દ્ર ખાતે ખસેડી હતી. એક અબોલ વન્ય પ્રાણીને બચાવવા માટે સુહેલ બાપુએ જે રીતે રાત્રિના સમયે મેદાનમાં ઉતરીને સાહસ બતાવ્યું, તેની ગ્રામજનોમાં ભારે પ્રશંસા થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે જો સુહેલે સમયસૂચકતા ન દાખવી હોત, તો શ્વાનોએ નીલગાયને ફાડી ખાધી હોત. આ ઘટનાએ પશુ-પક્ષીઓ પ્રત્યેની સંવેદના અને પ્રકૃતિપ્રેમનો જીવંત સંદેશ આપ્યો છે.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com