Geo Gujarat News

સાવરકુંડલા પંથક રકતાળુ: બે કાર વચ્ચેના ભીષણ અકસ્માતમાં આદસંગના યુવાનનું મૃત્યુ, લગ્નની ખુશીઓ માતમમાં પલટાઈ

લગ્ન ચોરીએ પહોંચે તે પહેલા સ્મશાન પહોંચ્યો પરિવાર:અમરેલી જિલ્લાના સાવરકુંડલા-મહુવા રોડ પર આવેલા ભુવા ગામ પાસે આજે કાળજું કંપી જાય તેવી માર્ગ દુર્ઘટના ઘટી છે. બે મોટરકાર વચ્ચે સર્જાયેલા પ્રચંડ અકસ્માતમાં એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય 10 મુસાફરો લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ભેગા થયા છે. લગ્નપ્રસંગના મંગળ ગીતો વચ્ચે અચાનક ચીસાચીસ અને રુદન છવાઈ જતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની વિગતો મુજબ, એક કાર ગોપાલગ્રામથી જૂના સાવર ગામે લગ્નપ્રસંગમાં જઈ રહી હતી. મંગળ પ્રસંગની ખુશીઓમાં ગરકાવ પરિવાર હજુ તો ગંતવ્ય સ્થાને પહોંચે તે પહેલા જ ભુવા ગામ પાસે સામેથી આવતી અન્ય કાર સાથે તેમની ગાડીની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનોના બોનેટનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ કરુણ દુર્ઘટનામાં આદસંગ ગામના કુલદીપભાઈ ચંપુભાઈ ખુમાણ નામના યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.10 મુસાફરો ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં અફરાતફરી, તંત્ર અને સેવાભાવીઓ કાર્યરત: અકસ્માતને પગલે હાઈવે પર પસાર થતા લોકો મદદે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં આરાધનાબેન, શિવમ, ધનેશ્રીબેન, ભાગ્યશ્રીબેન સહિત કુલ 10 વ્યક્તિઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા કેટલાક દર્દીઓની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે અન્ય શહેરોની હોસ્પિટલમાં રિફર કરવાની ફરજ પડી હતી. અકસ્માતના સમાચાર મળતા જ સાવરકુંડલાના સ્થાનિક આગેવાનો અને નગરપાલિકાના હોદ્દેદારો હોસ્પિટલ પહોંચી ગયા હતા અને અસરગ્રસ્તોને જરૂરી લોજિસ્ટિક મદદ પૂરી પાડી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસે ઘટનાસ્થળનો કબજો મેળવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને અકસ્માત સર્જનાર વાહનચાલકો વિરુદ્ધ કાયદેસરની તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.