Geo Gujarat News

વડોદરા: મોતના મલાજા વચ્ચે લાચાર કેમેરા અને લોકો, અગોરા સિટી સેન્ટરમાં લટકતા યુવકની જિંદગીનો કરુણ અંત, હત્યા કે આત્મહત્યા?

વડોદરાના અગોરા સેન્ટરની દીવાલ પર યુવકનો જિંદગી બચાવવા આખરી સંઘર્ષ : સંસ્કારી નગરી વડોદરાના સમા વિસ્તારમાં આવેલું અગોરા સિટી સેન્ટર ગઈકાલે સાંજે એક ભયાનક દુર્ઘટનાનું સાક્ષી બન્યું હતું. ૩૫ વર્ષીય હિતેન્દ્ર પરમાર નામનો યુવક બિલ્ડિંગના બીજા માળે ગ્રીલ અને દીવાલના સહારે જિંદગી માટે જંગ લડી રહ્યો હતો, પરંતુ અંતે કાળ તેને આંબી ગયો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં યુવકનો અંતિમ સંઘર્ષ જોઈને પથ્થર દિલના માણસની પણ આંખ ભીની થઈ જાય તેમ છે. વાયરલ વીડિયો મુજબ હિતેન્દ્ર બીજા માળની બહારની દીવાલ પર લટકેલી હાલતમાં હતો. ઉપરથી એક વ્યક્તિએ તેનો હાથ પકડીને તેને બચાવવાનો દેખાવ કે પ્રયત્ન કર્યો હતો. આશરે ત્રણ મિનિટ સુધી હિતેન્દ્ર ઉપર ચઢવા માટે હાથ-પગ પછાડતો રહ્યો, નીચે ઉભેલા લોકો બૂમો પાડતા રહ્યા, પણ કોઈ તેને બચાવી શક્યું નહીં. આખરે પકડ ઢીલી પડતા કે છૂટી જતા હિતેન્દ્ર સીધો જમીન પર પટકાયો અને ત્યાં જ તેના પ્રાણ પંખેરૂ ઉડી ગયા.પોલીસની થિયરી અને પરિવારના આક્ષેપો વચ્ચે વિરોધાભાસ : પોલીસની પ્રાથમિક ધારણા મુજબ હિતેન્દ્ર ચોરી કરવાની ફિરાકમાં સાઇટ પર આવ્યો હતો, પરંતુ લોકોની અવરજવર જોઈ ગભરાઈ જઈને ભાગવાના પ્રયાસમાં નીચે પટકાયો હતો. જ્યારે મૃતકના ભાઈ અજીતસિંહે પોલીસની આ વાતને તદ્દન ખોટી ગણાવી છે. તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે કે હિતેન્દ્ર કોઈ ચોર નહોતો, પણ તે સમા પોલીસ સ્ટેશનનો હોમગાર્ડ જવાન હતો. તે પોતાના કામના બાકી નીકળતા પૈસા લેવા કોન્ટ્રાક્ટર પાસે ગયો હતો. પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે સીસીટીવીમાં દેખાતા બાઉન્સરે તેનો હાથ પકડીને પછી છોડી દીધો હતો. આ ઘટના બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો હિતેન્દ્ર ચોરી કરવા આવ્યો હતો, તો તે ઉપરથી નીચે પડવાને બદલે દીવાલ પર કેવી રીતે લટક્યો? શું તેને પકડી રાખનાર વ્યક્તિએ તેને બચાવવાની પૂરતી કોશિશ કરી હતી? શું આ અકસ્માત છે કે પછી ઉચિત તપાસ બાદ કંઈક બીજું જ બહાર આવશે? હાલમાં મૃતદેહને એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને પરિવારજનો નિષ્પક્ષ તપાસની માંગ સાથે અડગ છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.