Geo Gujarat News

વડોદરા: તરસાલીમાં ડમ્પરના પૈડા નીચે કચડાતા એક્ટિવા સવારનું મોત, અકસ્માત સર્જી ભાગવા જતાં ચાલક સામે પોલીસની કાર્યવાહી

ડમ્પરના તોતિંગ ટાયર નીચે ચગદાયા, એક્ટિવા પણ ફસાયું:વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા તરસાલીમાં આજે રવિવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. તરસાલી બળીયાદેવ મંદિર પાસે પૂરપાટ ઝડપે આવતા એક બેફામ ડમ્પરના ચાલકે એક્ટિવા સવારને અડફેટે લેતા ૫૫ વર્ષીય પ્રોઢનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મૃતકની ઓળખ જામ્બુવા વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનના વતની દોલતરામ લુહાર તરીકે થઈ છે. તેઓ વ્યવસાયે બસ બોડી બનાવવાનું કામ કરતા હતા. આજે જ્યારે તેઓ પોતાના એક્ટિવા પર સવાર થઈને બળીયાદેવ મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવતા કાળમુખા ડમ્પરે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે દોલતરામ સીધા ડમ્પરના આગળના ટાયર નીચે આવી ગયા હતા અને તેમનું સ્થળ પર જ મોત થયું હતું. મૃતકનું એક્ટિવા પણ ડમ્પરના વ્હીલમાં ખરાબ રીતે ફસાઈ ગયું હતું, જેને લોકોએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યું હતું.સ્થાનિકોમાં ભારે આક્રોશ, પોલીસ કાફલો દોડ્યો : રહેણાંક અને ભરચક વિસ્તારોમાં ભારે વાહનોની અનિયંત્રિત ગતિને કારણે અવારનવાર સર્જાતા અકસ્માતોને લઈને લોકોમાં તીવ્ર રોષ જોવા મળ્યો હતો. અકસ્માત બાદ ડમ્પર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. મકરપુરા પોલીસની ટીમે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. રોજીરોટી કમાવવા વડોદરા સ્થાયી થયેલા રાજસ્થાની પરિવાર પર આજે આભ તૂટી પડ્યું છે. દોલતરામના મોતના સમાચાર મળતા જ જામ્બુવા સ્થિત તેમના નિવાસસ્થાને આક્રંદ છવાઈ ગયું હતું. પોસ્ટમોર્ટમની વિધિ પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે વતન રાજસ્થાન લઈ જવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.