Geo Gujarat News

ભરૂચ: નંબર પ્લેટના નામે ધમકાવનારા પોતે જ નંબર પ્લેટ વગરની ગાડીમાં ઝડપાયા, ઉર્વીશ મોદીના મોતના જવાબદારો જેલભેગા થયા..

ભરૂચ પોલીસે ચારેય આરોપીઓને દબોચ્યા.: ભરુચ શહેરમાં પોલીસના નામે ખોટી ઓળખ આપી નિર્દોષ વાહનચાલકોને શિકાર બનાવતી ગેંગનો એ-ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. રહાડપોર રોડ પર બનેલી આ ઘટનામાં નકલી પોલીસના ડરથી એક વ્યક્તિને રસ્તા પર જ હાર્ટ એટેક આવતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરી ચાર આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ઘટનાની વિગત મુજબ, ભોલાવ વિસ્તારના રહીશ ૪૩ વર્ષીય ઉર્વીશ મોદી ગત ૨૦ ફેબ્રુઆરીએ પોતાની પત્ની સાથે એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન રહાડપોર માર્ગ પર ચાર શખ્સોએ તેમને આંતર્યા હતા અને પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. ‘તમારા વાહનમાં નંબર પ્લેટ કેમ નથી?’ તેમ કહી આ ટોળકીએ ઉર્વીશભાઈને ધમકાવવાનું અને દંડના નામે પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. નકલી પોલીસની આ દાદાગીરીથી ઉર્વીશભાઈ એટલા ગભરાઈ ગયા કે તેમને સ્થળ પર જ હૃદયરોગનો હુમલો આવ્યો હતો. હોસ્પિટલ પહોંચતા પહેલા જ તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

પોલીસે બિછાવ્યું જાળું, આરોપીઓનો ફૂટ્યો ભાંડો: મૃતકની પત્ની તૃપ્તિબેન મોદીની હૃદયદ્રાવક ફરિયાદના આધારે પીઆઈ આર.એમ. વસાવાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સર્વેલન્સ ટીમે ટેકનિકલ તપાસના આધારે યોગેશ બેલેરાવ, સંજુ વસાવા, પ્રિતેશ રાણા અને ભાવેશ વસાવા નામના ચાર શખ્સોને દબોચી લીધા હતા. નવાઈની વાત એ છે કે, જે આરોપીઓ નંબર પ્લેટ મુદ્દે લોકોને ધમકાવતા હતા, તેમની જ ગાડીઓ પર નંબર પ્લેટ નહોતી! પોલીસે બંને વાહનો જપ્ત કરી તપાસ કરતા જાણવા મળ્યું કે પકડાયેલા તમામ શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એક નિર્દોષ વ્યક્તિના મોતના જવાબદાર આ નકલી પોલીસકર્મીઓ સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી રહી છે. ભરૂચ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ વ્યક્તિ પોલીસની ઓળખ આપે તો પહેલા તેનું ઓળખપત્ર માંગવું અને શંકા જાય તો તાત્કાલિક કંટ્રોલ રૂમમાં જાણ કરવી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.