જંબુસરની ડાભા ચોકડી નજીક એક ટ્રકમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રક પર વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. વેલ્ડિંગ દરમિયાન તણખા ઉડતા અચાનક આગ લાગી હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ એટલી પ્રચંડ હતી કે તેની લપેટમાં બાજુમાં ઉભેલી એક બાઇક પણ આવી ગઈ હતી. અને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગની તીવ્રતા સામે તેઓ લાચાર જણાયા હતા.
આ ઘટનામાં બે થી ત્રણ વ્યક્તિઓ આગની ચપેટમાં આવતા દાઝી ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક અલ મહમદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી બે વ્યક્તિઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.દુર્ઘટનાની જાણ થતા જ જંબુસર નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. આગની ભયાનકતાને જોતા આમોદથી પણ વધારાના ફાયર ફાઈટરોને બોલાવવાની ફરજ પડી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, જોકે ત્યાં સુધીમાં ટ્રકનો મોટો હિસ્સો બળીને નષ્ટ થઈ ચૂક્યો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકટોળા એકત્ર થઈ ગયા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com