Geo Gujarat News

ભરૂચ: નાની વય અને લોખંડી મનોબળ! ૪ વર્ષના માસૂમ તૈમૂર સદ્દામ પટેલે કાળઝાળ ગરમીમાં પ્રથમ રોજો પૂર્ણ કરી સૌને આશ્ચર્યચકિત કર્યા

ભરૂચના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં રહેતા ૪ વર્ષીય માસૂમ તૈમૂર સદ્દામ પટેલે પવિત્ર રમઝાન માસ દરમિયાન અનોખી ભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગૌસવાડ વેજલપુર પારસીવાડમાં રહેતા સદ્દામ પટેલના પુત્ર તૈમૂરે આટલી નાની ઉંમરે, જ્યારે સૂર્યદેવ આકરા મિજાજમાં છે અને તાપમાન સતત વધી રહ્યું છે, ત્યારે મક્કમ મનોબળ સાથે પોતાનો જીવનનો પ્રથમ રોજો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. સામાન્ય રીતે ૪ વર્ષની ઉંમર બાળકોના રમવા-કૂદવાની હોય છે, પરંતુ તૈમૂરે વહેલી સવારથી લઈને સાંજ સુધી અન્ન અને જળનો ત્યાગ કરી અલ્લાહની ઇબાદતમાં મન પરોવ્યું હતું. તેની આ ધાર્મિક નિષ્ઠા જોઈને પરિવારજનો અને સ્થાનિક રહીશો પણ દંગ રહી ગયા હતા. સાંજે ઇફ્તારના સમયે પરિવારમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. માસૂમ તૈમૂરને ફૂલહાર પહેરાવી અને તેની હિંમતને બિરદાવીને આ પ્રસંગને યાદગાર બનાવવામાં આવ્યો હતો. પરિવારના જણાવ્યા મુજબ, તૈમૂરમાં નાનપણથી જ ધાર્મિક સંસ્કારો પ્રત્યે રુચિ જોવા મળી છે. આ આકરી ગરમીમાં પણ હાર માન્યા વગર જે રીતે તેણે રોજો પૂર્ણ કર્યો છે, તે આજના યુવાનો અને અન્ય લોકો માટે શિસ્ત અને અતૂટ શ્રદ્ધાનો પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે. તૈમૂરની આ માસૂમ બંદગીમાં પરિવારની સુખાકારી સાથે દેશમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેવી દુઆ પણ સામેલ હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.