સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં તાજેતરમાં દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજ અને શુભવન્તા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે છઠ્ઠા સમૂહ લગ્નોત્સવ સજની રે-2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલમય અવસરે પાંચ યુગલોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્નગ્રંથિથી જોડાઈને નવા જીવનના શ્રીગણેશ કર્યા હતા. આ આયોજન માત્ર લગ્ન પૂરતું સીમિત ન રહેતા એક સેવાકીય યજ્ઞ બની રહ્યું હતું, જેમાં રક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન શિબિર દ્વારા સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. રક્તદાનની આ મુહિમમાં સમારંભના અધ્યક્ષ સહિત અનેક મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ‘રક્તદાન મહાદાન’ના સૂત્રને સાર્થક કર્યું હતું. આ મંગળ પ્રસંગે નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સ્વાતિબેન સોસા: કન્વીનર, બાલવાડી વિકાસ (નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ), કેયુરભાઈ ચપટવાલા: કોર્પોરેટર, નરેન્દ્રભાઈ પાંડવ: કોર્પોરેટર તેમજ ધર્મેશભાઈ ટેલર: મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ નવયુગલોને સુખી દાંપત્ય જીવનની શુભેચ્છાઓ પાઠવવાની સાથે સમાજમાં વધી રહેલા લગ્નખર્ચને રોકવા માટે વધુમાં વધુ પરિવારો સમૂહ લગ્નોનો માર્ગ અપનાવે તેવી ખાસ અપીલ કરી હતી. સમાપન સમારંભના અધ્યક્ષ માયાબેન મિસ્ત્રીએ સમગ્ર આયોજક ટીમને તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરી બદલ પ્રોત્સાહિત કર્યા હતા.
કન્યાદાનમાં સ્મૃતિભેટ અને ટીમવર્કની સફળતા: નવદંપતીઓને સંસારની શરૂઆત કરવા માટે કન્યાદાન સ્વરૂપે ૪૨ જેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં નાનુભાઈ લાડ, ભગવાનભાઈ લાડ, કૃણાલ મિસ્ત્રી, તેજસ ગજજર અને ધર્મેશ ગજજર સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. મહિલા સ્વયંસેવકો અને મંડળના સભ્યોના અથાક પરિશ્રમ તથા મજબૂત ટીમવર્કને કારણે આ મહોત્સવ સમાજ માટે એક યાદગાર સંભારણું બની રહ્યો હતો. કાર્યક્રમના અંતે જોડાયેલા યુગલો અને તેમના વાલીઓએ પણ આ પ્રકારના આયોજન બદલ સંતોષ વ્યક્ત કરી હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com