જંબુસર શહેર જાણે આગના ઓછાયા હેઠળ હોય તેમ છેલ્લા ૪૮ કલાકથી એકપછી એક આગની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આજે શહેરના વ્યસ્ત ગણાતા ટંકારી ભાગોળ વિસ્તારમાં એકાએક એક્ટિવા સળગી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. ગેરેજ પાસે ઉભેલા આ વાહનમાં કોઈ અગમ્ય કારણોસર જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બપોરના સમયે જ્યારે ટંકારી ભાગોળ પાસે લોકોની અવરજવર હતી, ત્યારે જ એક એક્ટિવા અચાનક સળગતા ગોળામાં ફેરવાઈ ગયું હતું.
ઘટનાની ગંભીરતા જોઈ સ્થાનિકોએ તાત્કાલિક જંબુસર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે સમય સૂચકતા વાપરી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. ગ એટલી ભીષણ હતી કે ફાયર ફાઈટરો આગ બુઝાવે ત્યાં સુધીમાં એક્ટિવા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું અને માત્ર લોખંડનું માળખું જ બચ્યું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ઈજા પહોંચી નથી.
જંબુસરમાં છેલ્લા બે દિવસથી સતત બની રહેલી આગની ઘટનાઓએ નગરજનોની ઊંઘ હરામ કરી દીધી છે. વારંવાર બનતા આવા બનાવો પાછળ શોર્ટ સર્કિટ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. હાલ તો ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર આગ લાગવાના સચોટ કારણની તપાસ કરી રહ્યું છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com