નકલી પોલીસ બની ઉઘરાણી કરતા આરોપીઓનો જેલહવાલે ખેલ ખતમ: ભરુચ શહેરમાં ફાયનાન્સ કંપનીના રિકવરી એજન્ટ અથવા પોલીસની ઓળખ આપી નિર્દોષ લોકોને નિશાન બનાવતી ટોળકીનો પર્દાફાશ થયા બાદ, આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. અગાઉ એ-ડિવિઝન પોલીસના સકંજામાં આવેલા ચાર આરોપીઓ પૈકી યોગેશ બેલેરાવ અને સંજય વસાવા વિરુદ્ધ વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આ શખ્સો પોલીસના સ્વાંગમાં લોન સેટલમેન્ટના નામે ધાકધમકી આપી લોકો પાસેથી નાણાં પડાવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તાજેતરની ઘટના મુજબ, નંદેલાવના રિક્ષાચાલક શરીફખાન પઠાણ જ્યારે ભૃગુઋષિ બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ ઠગ ટોળકીએ તેમને આંતર્યા હતા. લોનના હપ્તા બાકી હોવાનું જણાવી રિક્ષા જપ્ત કરવાનો ડર બતાવી આરોપીઓએ ૧૨,૦૦૦ની માંગણી કરી હતી. અંતે, ડરના માર્યા રિક્ષાચાલકે ૫,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે ભોગ બનનારે રસીદ માંગી, ત્યારે આરોપીઓએ આ તો સેટલમેન્ટના રૂપિયા છે. કહી પલાયન થઈ ગયા હતા.

તપાસમાં ખુલ્યા અન્ય અનેક છેતરપિંડીના વરવા દ્રશ્યો: પોલીસની ઊંડી તપાસમાં જાણવા મળ્યું છે કે આ ટોળકીએ માત્ર શરીફખાન જ નહીં, પરંતુ શહેરના અન્ય વિસ્તારોમાં પણ જાળ બિછાવી હતી. જેમાં લાલબજારમાં સમીરાબાનુ મલેક પાસેથી ૩,૦૦૦ પડાવ્યા હતા. તેમજ ભોલાવમાં રાજેશ તંતી પાસેથી ૧૦,૦૦૦ની ઉઘરાણી કરી હતી. શેરપુરાના સૈફઅલી સૈયદ પાસેથી પણ ૫૦૦ પડાવી લીધા હતા. નકલી પોલીસ બનીને ઉઘરાણી કરતી આ ટોળકીના કારનામા સામે આવતા એ-ડિવિઝન પોલીસે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ગેંગે અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસની આ સફળતાથી શહેરમાં નકલી અધિકારી બની ફરતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com