આમોદ તાલુકાના કેરવાડા ગામ ખાતે આવેલ અંબાજી મંદિરનો દ્વિતીય પાટોત્સવ આજે ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. પાટોત્સવ નિમિત્તે ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો હતો.પાટોત્સવના અવસરે મંદિર ટ્રસ્ટ દ્વારા નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નવચંડી યજ્ઞ પરમહિતધામ, ચાંદોદના વિદ્વાન શાસ્ત્રી નયનભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને વૈદિક મંત્રોચ્ચાર અને સંગીતમય શૈલીમાં સંપન્ન થયો હતો. તેમની સાથે અન્ય ૧૧ ભૂદેવોએ યજ્ઞવિધિમાં સહયોગ આપ્યો હતો.
વિશેષ નોંધનીય છે કે સતત બીજા વર્ષે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડૉ. યોગેશભાઈ કોઠારીના સંયોજનમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞવિધિમાં વિરેન્દ્રસિંહ સિંધા, રાજેન્દ્રસિંહ કારેલિયા અને સંજયસિંહ પરમાર સજોડે બેસી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.સાંજે ૪:૩૦ કલાકે શ્રદ્ધાળુઓએ શ્રીફળ હોમી યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી અને ત્યારબાદ માતાજીની સમૂહ આરતીનો લાભ લીધો હતો. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો.
નવચંડી યજ્ઞની સમગ્ર વ્યવસ્થા ગામના યુવાનો રવિગીર ગોસ્વામી, ઇન્દ્રસિંહ સિંધા, યુવરાજસિંહ રાઠોડ, અર્પણસિંહ પરમાર, રાહુલસિંહ પરમાર, દર્શન અજમેરી તથા ભરતભાઈ કોઠારી દ્વારા સંભાળવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ અને આમોદ તાલુકા પંચાયત સદસ્ય સંજયસિંહ રાજએ મહેમાનોને મીઠો આવકાર આપી કાર્યક્રમની રોનક વધારી હતી.સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ, શિસ્ત અને સામૂહિક એકતાનું સુંદર ઉદાહરણ બની રહ્યો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com