વાગરાના મુખ્ય બજાર વિસ્તારમાં આજે રાત્રે અચાનક વીજ લાઈનમાં સર્જાયેલી ખામીને પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બજારમાં આવેલી કિશાન હાર્ડવેરની બિલકુલ બાજુમાં સ્થિત GEBના વીજપોલ પર અચાનક શોર્ટ સર્કિટ થતા જોરદાર ધડાકા થયા હતા. જેના પગલે આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં ફાળ પડી હતી. વીજપોલ પર થયેલા સ્પાર્કિંગ અને ધડાકાને કારણે ક્ષણવારમાં જ સમગ્ર વાગરા ટાઉનમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને સર્વત્ર અંધારપટ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. સદનસીબે, આ ગીચ વિસ્તારમાં શોર્ટ સર્કિટના કારણે કોઈ મોટી જાનહાનિ કે આગની હોનારત સર્જાઈ ન હતી, પરંતુ ધડાકાઓને પગલે બજારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
અચાનક વીજ ગુલ થઈ જવાથી વેપારીઓ અને રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકો દ્વારા તાત્કાલિક વીજ કંપનીને જાણ કરવામાં આવી હતી, ઘટનાની જાણ થતાની સાથે જ GEB ની ટેકનિકલ ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. અને ઘટના સ્થળે દોડી ગઈ હતી. વીજ કર્મચારીઓએ યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરી, શોર્ટ સર્કિટના કારણે થયેલી ખામીને દુર કરી હતી. ટીમની ત્વરિત કામગીરીને પગલે ખોરવાયેલો વીજ પુરવઠો પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો, જેનાથી અંધારપટમાં ડૂબેલા વાગરા ટાઉનના રહીશો અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. વીજ કંપનીની આ તત્પરતાને સ્થાનિકોએ પણ બિરદાવી હતી.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com