સમગ્ર ગુજરાતમાં આજથી શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓનો મંગલ પ્રારંભ થયો છે. આ શૈક્ષણિક મહાકુંભના ભાગરૂપે ભરૂચ જિલ્લાના નબીપુર કેન્દ્ર ખાતે ધોરણ-૧૦ની પરીક્ષાનો અત્યંત હકારાત્મક અને શાંતિપૂર્ણ માહોલમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. નબીપુર પરીક્ષા કેન્દ્ર પર નોંધાયેલા કુલ ૨૭૨ પરીક્ષાર્થીઓમાંથી ૨૭૧ વિદ્યાર્થીઓ હાજર રહીને પોતાની કારકિર્દીની મહત્વની ગણાતી આ પરીક્ષામાં ઉત્સાહભેર જોડાયા હતા.
પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં રહેલા ડર અને માનસિક તણાવને દૂર કરવા માટે નબીપુર એજ્યુકેશન બોર્ડના પ્રમુખ, ઉપપ્રમુખ, અન્ય સભ્યો તથા હાઈસ્કૂલના આચાર્ય દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર પર પ્રવેશતા જ તમામ વિદ્યાર્થીઓને પુષ્પ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેણે પરીક્ષાર્થીઓમાં નવો આત્મવિશ્વાસ જગાવ્યો હતો. આ સાથે જ નબીપુર હાઈસ્કૂલના શિક્ષકગણે પણ બાળકોને તેમના બ્લોક અને બેઠક વ્યવસ્થા શોધવામાં મદદ કરી પિતૃવત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની એકાગ્રતા જળવાઈ રહે તે માટે નબીપુર ગ્રામ પંચાયતે પ્રશંસનીય તકેદારી દાખવી હતી. સ્કૂલની આસપાસના વિસ્તારમાં ગીચતા ન થાય તે હેતુથી તમામ લારી-ગલ્લા અને પથારાવાળાઓને હટાવી દઈ સંપૂર્ણ શાંતિનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી નબીપુર પોલીસ મથક દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ પણ ખલેલ વગર પરીક્ષા સંપન્ન થઈ શકે. ઉલ્લેખનીય છે કે આ કેન્દ્ર પર નબીપુર ઉપરાંત સીતપોણ, દયાદરા અને થામ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી રહ્યા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com