Geo Gujarat News

આમોદમાં ગૌમાતાનું કરુણ મોત, I Love Amod બોર્ડ પાસે ગંદકીના સામ્રાજ્ય વચ્ચે વધુ એક ગાયે દમ તોડ્યો, તંત્ર સામે રોષ..

આમોદ શહેરમાં સ્વચ્છતા અને ગૌરક્ષાના દાવાઓ વચ્ચે એક અત્યંત દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. નેશનલ હાઈવે નંબર 64 પર આવેલા આછોદ ત્રણ રસ્તા પાસે, જ્યાં શહેરની શાન ગણાતું આઈ લવ આમોદનું બોર્ડ લાગેલું છે, ત્યાં જ એક ગાય મૃત હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં ભારે અરેરાટી અને નગરપાલિકા સામે રોષ ફેલાયો છે. સ્થાનિક ગૌરક્ષક ભરતભાઈના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં હાઈવેને અડીને કચરાના મોટા ઢગલા ખડકાયેલા રહે છે. ખોરાકની શોધમાં રખડતી ગાયો આ કચરામાંથી પ્લાસ્ટિક અને ઝેરી પદાર્થો આરોગે છે, જે તેમના માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ભરતભાઈ અને તેમની ટીમે અગાઉ પણ આવી અનેક ગાયોને દફનાવી હોવાનું જણાવી તંત્રની ઉદાસીનતા સામે સવાલો ઉઠાવ્યા છે. ગૌરક્ષકોનો આક્ષેપ છે કે પ્લાસ્ટિકમુક્ત ખોરાકના અભાવે અબોલ જીવો સતત મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.સ્થાનિક રહીશોનું કહેવું છે કે આ ગંભીર પ્રશ્ને વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં કચરાના નિકાલ માટે કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું નથી. હાઈવે પરથી પસાર થતા હજારો મુસાફરોની નજર આ ગંદકી અને મૃત પશુઓ પર પડતા શહેરની છબી પણ ખરડાઈ રહી છે. હવે શહેરજનો એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે કચરાના ઢગલા દૂર કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવામાં આવે. સવાલ એ છે કે શું તંત્ર હવે જાગશે ખરું?

 

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.