Geo Gujarat News

વાગરા: પીપલીયા ગામે પૌત્રને ગાળો બોલવા બાબતે ઠપકો આપતા દાદા પર જીવલેણ હુમલો, લોખંડની પાઇપ અને લાકડાના સપાટા ઝીંક્યા, ત્રણ સામે ફરિયાદ નોંધાઈ

વાગરા તાલુકાના પીપલીયા ગામે ગત તારીખ ૨૪/૦૨/૨૦૨૬ના રોજ રાત્રિના આશરે આઠેક વાગ્યાના અરસામાં જૂના ફળિયામાં આવેલી મહમદભાઈની દુકાન પાસે હિંસક મારામારીની ઘટના બની હતી. આ બનાવની વિગત મુજબ, ફરિયાદી સોમાભાઈ મગનભાઈ રાઠોડના પૌત્ર જગદીશને સામાન્ય બાબતમાં ગાળો બોલી ઝઘડો કરતા હોવાથી સોમાભાઈ વચ્ચે પડ્યા હતા. પૌત્રને કેમ મારો છો તેમ પૂછતા ઉશ્કેરાયેલા હુમલાખોરોએ વૃદ્ધ પર લાકડાના સપાટા અને લોખંડની પાઇપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઘટના સમયે બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સોમાભાઈને વધુ મારથી બચાવ્યા હતા. હુમલાખોરો જતી વખતે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. જોકે શરૂઆતમાં સામાજિક રીતે સમાધાનના પ્રયાસો થયા હતા. પરંતુ બીજા દિવસે સોમાભાઈને અસહ્ય દુખાવો ઉપડતા તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.વાગરા પોલીસે હોસ્પિટલ પહોંચી સોમાભાઈની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ BNS ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૩), ૩(૫) તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ હિંસક હુમલામાં પીપલીયા ગામના જ ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં નગીનભાઈ હીરાભાઈ વસાવા, વિનોદભાઇ રમેશભાઇ વસાવા તેમજ બીપીનભાઈ રમેશભાઈ વસાવાનો સમાવેશ થાય છે. પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ શરૂ કરી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.