સમગ્ર ગુજરાતમાં આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. તેના અનુસંધાને આમોદ તાલુકામાં પણ પરીક્ષાનો શુભારંભ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં કરવામાં આવ્યો હતો.આમોદ સ્થિત શાહ એન.એન.એમ. ચામડીયા હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્ર ખાતે શહેર અને તાલુકાના કુલ ૬૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. પરીક્ષાર્થીઓમાં હકારાત્મકતા વધે તે હેતુથી શહેર ભાજપ પ્રમુખ તેમજ નગરપાલિકાના સભ્યો દ્વારા વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવવામાં આવ્યું અને ગુલાબના ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પહેલને વિદ્યાર્થીઓ અને વાલીઓએ આવકારી હતી.
શાળાના આચાર્ય વિષ્ણુભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે ચામડીયા હાઈસ્કૂલ માત્ર શૈક્ષણિક સંસ્થા જ નહીં પરંતુ પ્રતિભા ઘડવાનું કેન્દ્ર છે. અહીંથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી તેમજ પ્રખ્યાત કવિ સુન્દરમ સહિત અનેક ડોક્ટરો, એન્જિનિયરો, શિક્ષકો અને ઉદ્યોગપતિઓએ અભ્યાસ કરીને સમાજમાં આગવી ઓળખ ઉભી કરી છે.
પરીક્ષા પારદર્શક અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે સમગ્ર તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રની આસપાસ શાંતિ જળવાઈ રહે તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી આમોદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈપણ વિક્ષેપ વગર પરીક્ષા સુચારૂ રીતે સંપન્ન થઈ શકે.શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે પરીક્ષાનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023