Geo Gujarat News

વાગરા: જુનેદ ગામ પાસે હાઈડ્રો ક્રેન ચાલકની ગફલત, ૨૪ વર્ષીય યુવક પર ટાયર ફરી વળતા કમકમાટીભર્યું મોત નિપજયું! પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

પાવર કેબલની કામગીરી દરમિયાન હાઈડ્રો ક્રેને સર્જ્યો જીવલેણ અકસ્માત: વાગરા તાલુકામાં આવેલા જુનેદ ગામ પાસે આજે એક હચમચાવી દેતી અકસ્માતની ઘટના સામે આવી છે. જી.આઈ.ડી.સી.માં જતી રોડ પર પાવર કેબલ નાખવાની કામગીરી દરમિયાન એક હાઈડ્રો ક્રેન ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી આગળ ચાલતા શ્રમિક યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના અજમેર જિલ્લાના વતની પ્રકાશગુર્જર બાલૂગુર્જર ઉ.વ. ૨૪ જુનેદ ગામ પાસે જમીનમાં પાવર કેબલ નાખવા માટેની કામગીરીમાં જોડાયેલા હતા. આ કામગીરી દરમિયાન HDPE પાઈપના રોલને હાઈડ્રો ક્રેન નંબર GJ 06 JF 1823 ના હુકમાં બાંધીને ખસેડવામાં આવી રહ્યો હતો. હાઈડ્રો ક્રેનનો ચાલક પ્રદીપ યાદવ રહે. ઉત્તર પ્રદેશનો આ ક્રેન ચલાવી રહ્યો હતો, જ્યારે પ્રકાશ ગુર્જર ક્રેનમાં બાંધેલા પાઈપના રોલને પકડીને ક્રેનની આગળ-આગળ ચાલી રહ્યો હતો.વાગરા પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી : તે સમયે જુનેદ ગામ તરફ જવાના રોડ પર હાઈડ્રો ક્રેન ચાલક પ્રદીપ યાદવે પોતાના કબજાનું વાહન અત્યંત ગફલતભરી રીતે ચલાવ્યું હતું. પરિણામે ક્રેનનું ટાયર આગળ ચાલતા પ્રકાશ ગુર્જર પર ચડી ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં પ્રકાશને માથા, ચહેરા, છાતી અને ડાબા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ હાઈડ્રો ક્રેનનો ચાલક પ્રદીપ યાદવ વાહન ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. આ અંગે જગદીશ શ્યોચંદ ધાંધા ઉ.વ. ૨૨ જેઓ સબ કોન્ટ્રાક્ટર તરીકે કાર્યરત છે, તેમણે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વાગરા પોલીસે આ મામલે BNS ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૦૬(૧) તથા એમ.વી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ફરાર ચાલકને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, મૃતક અને ફરિયાદી બંને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીં મજૂરી કામ અર્થે આવ્યા હતા.

શ્રમિકનો મૃતદેહ વાલીવારસોની રાહમાં કોલ્ડ સ્ટોરેજમાં રખાયો : અકસ્માતની આ કરુણ ઘટનામાં જીવ ગુમાવનાર ૨૪ વર્ષીય શ્રમિક પ્રકાશગુર્જર બાલગુર્જર મૂળ રાજસ્થાનના અજમેર જિલ્લાના ભીનાઈ તાલુકાના લામગરા ગામનો વતની હતો. વાગરા પોલીસે મૃતદેહનો કબજો મેળવી વાગરા સરકારી હોસ્પિટલ ખાતે તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જોકે, મૃતક યુવકના વાલીવારસો હજુ સુધી વતન રાજસ્થાનથી આવી શક્યા ન હોવાથી મૃતદેહ સુરક્ષિત રહે તે હેતુથી વાગરા પોલીસ દ્વારા અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.