ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. આ પવિત્ર અવસરે આમોદ-જંબુસર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને પૂજ્ય દેવકિશોર સ્વામીએ એક વિશેષ વિડિયો સંદેશ દ્વારા ગુજરાતના અને ખાસ કરીને ભરૂચ જિલ્લાના આમોદ તથા જંબુસર વિસ્તારના તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પરીક્ષામાં ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધે તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. વધુમાં તેમણે ઉમેર્યું કે દરેક વિદ્યાર્થી પોતાના માતા-પિતાના સપનાઓ સાકાર કરે અને જીવનમાં પ્રગતિના શિખરો સર કરે. ધારાસભ્યશ્રીએ વિદ્યાર્થીઓને તણાવમુક્ત રહીને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા અને તમામ પરીક્ષાર્થીઓના સારા પરિણામ માટે મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી.
ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા વધુમાં જણાવ્યું કે, પરીક્ષા એ માત્ર જ્ઞાનની કસોટી નથી પરંતુ ધૈર્ય અને આત્મવિશ્વાસનું પણ પ્રતીક છે. તેમણે વિદ્યાર્થીઓને શાંત ચિત્તે અને કોઈ પણ પ્રકારના ભય વગર પ્રશ્નપત્રો લખવા અનુરોધ કર્યો હતો, જેથી તેઓ પોતાની મહેનતનું યોગ્ય ફળ મેળવી શકે. ધારાસભ્યના આ પ્રેરણાદાયી સંદેશથી સ્થાનિક વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થયો છે. અને પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા.
યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com