ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની ચાસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં વહીવટી ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો છે. મંડળીના લોકશાહી ઢબે વહીવટ કરવાને બદલે કસ્ટોડિયન કમિટી દ્વારા મનસ્વી નિર્ણયો લેવાતા હોવાના આક્ષેપ સાથે રોષે ભરાયેલા સભાસદોએ જિલ્લા કલેક્ટરના દ્વાર ખટખટાવ્યા છે. આવેદનપત્રમાં ગંભીર આક્ષેપ કરાયો છે કે, આસપાસની અન્ય મંડળીઓની તુલનામાં પશુપાલકોને દૂધના ભાવ ખૂબ જ ઓછા મળી રહ્યા છે, જેના કારણે આર્થિક રીતે નબળા આદિવાસી પરિવારોની હાલત કફોડી બની છે.
સભાસદોનો આક્રોશ એ વાત પર પણ છે કે, વિશ્વાસમાં લીધા વિના જ અનેક દૂધ સેન્ટરો અને ટ્રાન્સપોર્ટ સેવાઓ ટપોટપ બંધ કરી દેવામાં આવી છે. રાજકીય કિન્નાખોરીના કારણે મંડળીની દૂધની આવકમાં પણ મોટું ગાબડું પડ્યું હોવાનું સભાસદો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મંડળીની પાંચ વર્ષની મુદત ગત ૨૩ જાન્યુઆરીએ જ પૂર્ણ થઈ ચૂકી છે, છતાં સત્તાધીશો ચૂંટણી યોજવામાં વિલંબ કરી રહ્યા છે. કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા પશુપાલકોએ સ્પષ્ટ માંગ કરી છે કે, વહીવટમાં પારદર્શકતા લાવવા માટે સત્વરે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે જેથી પશુપાલકોના હિતનું રક્ષણ થઈ શકે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com