ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાંથી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. શહેરના ટંકારી ભાગોળ વિસ્તારમાં એક 65 વર્ષીય વૃદ્ધે અગમ્ય કારણોસર એસિડ ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામી છે. લાંબી સારવાર બાદ વડોદરાની હોસ્પિટલમાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં એક આધેડે એસિડ પી લેતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિ છગનભાઈ મોહનભાઈ ઉંમર વર્ષ 65 જેઓ મૂળ રાજકોટના વતની હતા. તેઓ કયા સંજોગોમાં જંબુસર આવ્યા હતા અને કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું, તે હજુ સુધી જાણી શકાયું નથી.
ઘટનાની જાણ થતા જ જંબુસર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ગંભીર હાલતમાં છગનભાઈને સારવાર અર્થે સૌ પ્રથમ જંબુસર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે, તેમની હાલત વધુ નાજુક જણાતા પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા. વડોદરાની હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચેની જંગ લડ્યા બાદ આખરે તેમનું કરુણ મોત નિપજ્યું હતું. જંબુસર પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતકના પરિવારજનોની શોધખોળ કરી તેમને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com