Geo Gujarat News

આમોદમાં લોહીતરસ્યા શ્વાનોનો કહેર, બાળકની ચીસથી ગુંજી ઉઠ્યું પ્રશાસનનું પાપ, તંત્રની નિંભરતા વચ્ચે માસૂમોના જીવ જોખમમાં.

આમોદ શહેર જાણે હડકાયા શ્વાનોના હવાલે હોય તેવી ભયાનક સ્થિતિ નિર્માણ પામી છે. તંત્રના પોલા દાવાઓ અને કાગળ પરની કામગીરીની પોલ ખોલતા કિસ્સામાં વાંટા વિસ્તારમાં ૧૨ વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો થતા સમગ્ર પંથકમાં રોષની જ્વાળા ભભૂકી ઉઠી છે. મદ્રેસાથી ઘરે પરત ફરી રહેલા નિર્દોષ બાળકને ફાડી ખાવાનો પ્રયાસ કરનાર આ શ્વાનો હવે આમોદના રસ્તાઓ પર યમદૂત સમાન સાબિત થઈ રહ્યા છે. અગાઉ પણ ભરબજારમાં અને મસ્જિદ પાછળના વિસ્તારોમાં બાળકોની આંખો ફોડી નાખવા સુધીના હુમલાઓ થયા હોવા છતાં પ્રશાસન હજુ પણ કોઈ મોટી જાનહાનિની રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે.પાલિકા દ્વારા અગાઉ કરવામાં આવેલી દેખાડાની કામગીરી માત્ર ધૂળ નાખવા બરાબર સાબિત થઈ છે, કારણ કે શ્વાનોનો આતંક ઓછો થવાને બદલે વધુ લોહિયાળ બન્યો છે. વારંવારની રજૂઆતો અને હોબાળા છતાં તંત્રની આ ગુનાહિત બેદરકારીએ સ્થાનિકોના જીવ તાળવે ચોંટાડ્યા છે.જો સત્તાધીશો હજુ પણ કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને આ શ્વાન-રાજનો કાયમી ઉકેલ નહીં લાવે, તો રોષે ભરાયેલી જનતા રસ્તા પર ઉતરે તેવી પૂરેપૂરી શક્યતા છે. આમોદની જનતા હવે ઠાલા આશ્વાસનો નહીં, પણ રસ્તા પર સુરક્ષિત ચાલવાની ખાતરી અને આ લોહીતરસ્યા શ્વાનોથી કાયમી મુક્તિ ઝંખે છે. આમોદની જનતાના લોહીથી ખરડાયેલા રસ્તાઓ પાલિકાના સત્તાધીશોની નિંભરતાની ચાડી ખાઈ રહ્યા છે. પાલિકા તંત્ર માત્ર કાગળ પર ઘોડા દોડાવવા અને આંકડાબાજીમાં વ્યસ્ત છે, જ્યારે વાસ્તવમાં શહેરના રસ્તાઓ પર હિંસક શ્વાનો રૂપી યમદૂતો ખુલ્લેઆમ તાંડવ કરી રહ્યા છે. જનતાનો રોષ હવે સીમા વટાવી ચૂક્યો છે. લોકોનો સવાલ છે કે શું પાલિકાના અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસીને કોઈ માસૂમનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યા છે? અત્યાર સુધીની ઠાલી અને દેખાડા પૂરતી કામગીરીએ પાલિકાની પોલ ખોલી નાખી છે. શહેરના કરદાતા નાગરિકો હવે કોઈ પણ બહાનાબાજી સાંભળવા તૈયાર નથી. જો આ રક્તપાત સમાન સમસ્યાનો ૨૪ કલાકમાં કાયમી અને ધારદાર ઉકેલ નહીં આવે, તો ઉગ્ર આંદોલનના ભડકા પાલિકાના સત્તાધીશોની ખુરશીઓ હચમચાવી દેશે તે નક્કી છે. આમોદની જનતા હવે આશ્વાસનો નહીં, પણ પરિણામ ઝંખે છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.