ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે સમુદ્રી માર્ગો સુધી વિસ્તર્યો છે. રવિવારે ઓમાનના મુસંદમ પ્રાયદ્વીપ પાસે પલાઉના ધ્વજ હેઠળ સફર કરી રહેલા ‘સ્કાઈલાઈટ’ નામના ભારતીય તેલ ટેન્કર પર ભયાનક હુમલો થયો હતો. આ હુમલો ખાસબ બંદરગાહથી માત્ર પાંચ નોટિકલ માઈલ દૂર થયો હતો, જેમાં ૧૫ ભારતીય અને ૫ ઈરાની નાગરિકો સહિત કુલ ૨૦ ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ ઘટનાને પગલે મિડલ ઈસ્ટમાં કાર્યરત ભારતીયોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ઓમાન દરિયાઈ સુરક્ષા કેન્દ્રના જણાવ્યા અનુસાર, હુમલા બાદ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ સભ્યોને સુરક્ષિત બચાવી લેવાયા છે. જોકે, આ હુમલામાં ચાર સભ્યો ઈજાગ્રસ્ત થયા છે, જે પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ હુમલો ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો કે મિસાઈલ દ્વારા. સોશિયલ મીડિયા પર આ હુમલાના વિઝ્યુઅલ્સ વાયરલ થયા છે, પરંતુ સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. આ હુમલાએ આંતરરાષ્ટ્રીય જળસીમામાં જહાજોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કર્યા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com