નાગપુર: મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કાટોલ તાલુકા હેઠળ આવતા રાઉલગાંવ સ્થિત એસબીએલ એનર્જી લિમિટેડના કારખાનામાં આજે વહેલી સવારે એક પ્રચંડ વિસ્ફોટ થતા ૧૭ લોકોના મોત નીપજ્યા છે. ખાણકામ અને ઔદ્યોગિક વિસ્ફોટકો બનાવતી આ કંપનીમાં સવારે ૬ થી ૭ વાગ્યાની આસપાસ જ્યારે શ્રમિકો કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ધડાકો થયો હતો. નાગપુર ગ્રામીણના એસપી હર્ષ પોદ્દારે પુષ્ટિ કરી છે કે આ દુર્ઘટનામાં ૧૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નાગપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માહિતી મુજબ, વિસ્ફોટ સમયે યુનિટમાં અંદાજે ૨૫ થી ૩૦ શ્રમજીવીઓ હાજર હતા. ધડાકો એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને ત્યારબાદ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. વિસ્ફોટ બાદ આખા વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. હજુ પણ કેટલાક મજૂરો ફેક્ટરીની અંદર ફસાયા હોવાની આશંકાને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટુકડીઓ દ્વારા યુદ્ધના ધોરણે રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૧૫ જેટલા ઈજાગ્રસ્તોને બહાર કાઢી લેવાયા છે, પરંતુ હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com