સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના હડિયોલપુલ છાપરિયા વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી નશીલા પદાર્થ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એ ડિવિઝન પોલીસને મળેલી ચોક્કસ માહિતી મુજબ આવાસ યોજનાના બી-બ્લોકના એક મકાનમાં માદક પદાર્થનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન પ્લાસ્ટિકના બે થેલામાં છુપાવી રાખેલો કુલ ૬ કિલો ૪૧૩ ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે ૩,૨૦,૬૫૦ જેટલી થાય છે. આ મામલે પોલીસે સ્થળ પરથી શંકર સલાટ નામના શખસની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓ સવાભાઈ અને ભરત પોલીસની પકડથી દૂર છે. પ્રાથમિક તપાસમાં આ નશીલા પદાર્થનો જથ્થો પોશીનાથી મંગાવવામાં આવ્યો હોવાનું ખૂલ્યું છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ જથ્થો હિંમતનગરમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસ અત્યારે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com