હિંમતનગર-અમદાવાદ હાઈવે પર આવેલા મોતીપુરા સર્વિસ રોડ પર આજે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. શહેરના ઝહીરાબાદ વિસ્તારમાં રહેતા પિતા અને તેમનો ૧૪ વર્ષીય પુત્ર જ્યારે મોપેડ પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે આવતા એક અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કિશોરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેના પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસ અને ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત પિતાને તાત્કાલિક ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે. પિતાની નજર સામે જ વહાલસોયા પુત્રએ દમ તોડતા સમગ્ર ઝહીરાબાદ પંથકમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે. પોલીસે હાલ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તેની શોધખોળ હાથ ધરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com