Geo Gujarat News

આમોદ – ભીમપુરા માઇનોર કેનાલમાં મોટું ગાબડું, હજારો લીટર સિંચાઈનું પાણી બરબાદ

આમોદ તાલુકાના ભીમપુરા વિસ્તારમાં આવેલી નર્મદા નિગમ સંચાલિત માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડતાં ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. આશરે એક વર્ષ અગાઉ જ રીપેરિંગ કરાયેલી આ નહેરમાં ફરી ભંગાણ સર્જાતા કામગીરીની ગુણવત્તા અને દેખરેખ અંગે સવાલો ઊભા થયા છે.સ્થાનિક ખેડૂતો તેમજ કોંગ્રેસ ના તાલુકા હોદ્દેદારો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમયસર યોગ્ય પગલાં ન લેવાતા રોષ ફેલાયો છે.સ્પષ્ટ જોવા મળે છે કે હજારો લીટર સિંચાઈનું પાણી બિનજરૂરી રીતે જમીનમાં વેડફાઈ રહ્યું છે. એક તરફ સરકાર પાણી સંરક્ષણ અને સમચિત વહેંચણીના દાવા કરે છે, તો બીજી તરફ મૂલ્યવાન પાણીનો વ્યાપક વેડફાટ ચિંતાજનક બની રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નહેરોની નિયમિત સફાઈ અને જાળવણી અંગે કરાતા દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે. અનેક સ્થળોએ ગાંડા બાવળ અને ઝાડઝાંખરા ઉગી નીકળ્યા છે, જે યોગ્ય દેખરેખના અભાવ તરફ ઈશારો કરે છે.આ બેદરકારીનો સીધો ફટકો ખેડૂતોને પડી રહ્યો છે. અનેક ગામોના ખેડૂતોએ સિંચાઈના પાણીના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે બીજી બાજુ હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે.પાક સુકાઈ જવાની ભીતિ વચ્ચે ખેડૂતોની જીવનજિવિકા પર ગંભીર અસર જોવા મળી રહી છે.આ મુદ્દે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાજીએ તંત્રને ચેતવણી આપી છે કે જો વહેલી તકે કેનાલની યોગ્ય મરામત નહીં કરવામાં આવે તો ખેડૂતોને સાથે રાખી નિગમ કચેરી સામે તાળાબંધી અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.હવે જોવાનું રહ્યું કે જવાબદાર અધિકારીઓ સમયસર પગલાં ભરી પરિસ્થિતિ કાબૂમાં લાવે છે કે પછી ખેડૂતોનો રોષ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.