Geo Gujarat News

આમોદમાં ધૂળેટી પૂર્વે પરંપરાગત વિધિથી હોળી દહન, શહેરમાં ભક્તિ અને હર્ષોલ્લાસનો માહોલ

આમોદ શહેર ખાતે ધૂળેટી પૂર્વે હોળી પર્વની ભક્તિભાવ અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવી અને હોલિકા દહનનો લ્હાવો લેવા નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સત્ય પર અસત્યના વિજયના પ્રતીકરૂપ આ પર્વે શહેરમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું હતું. ખાસ કરીને હિમ્મતપુરા તેમજ સરીપા પોળ વિસ્તારમાં આવેલ ભાથુજી મહારાજ મંદિરના પટાંગણમાં વરસોથી ચાલતી આવતી પરંપરા મુજબ શાસ્ત્રોક્ત વિધિથી હોળી દહન કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવી સમાજની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી કલ્યાણ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. હોળી પ્રગટ્યા બાદ ઉપસ્થિત ભક્તોએ પવિત્ર અગ્નિની પ્રદક્ષિણા કરી શ્રીફળ, ધાણી અને ખજૂર અર્પણ કરી અર્ઘ્ય આપ્યું હતું. વડીલો, યુવાનો અને નાના બાળકો ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં જોડાયા હતા અને મહિલાઓએ પરંપરાગત લોકગીતો ગાઈ તહેવારને વધુ રંગીન બનાવ્યો હતો.હોળી દહન બાદ લોકોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી અને સૌહાર્દનું વાતાવરણ સર્જાયું હતું. સમગ્ર ઉજવણી દરમિયાન શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. આ રીતે આમોદ શહેરમાં સત્ય પર અસત્યના વિજયના પ્રતીક સમાન હોળી પર્વની ઉજવણી ભક્તિ, પરંપરા અને આનંદના સુમેળ સાથે સૌહાર્દ અને એકતાનો સંદેશ આપતી રીતે સંપન્ન થઈ હતી.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.