વાગરામાં પશુઓ પર તોળાયો કાળ, ૧૩ પશુઓના મોતથી પશુપાલક પાયમાલ: વાગરા નગરમાં આહીર ફળિયામાં રહેતા એક ગરીબ પશુપાલક પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વાગરાની સીમમાં આવેલી તલાવડીનું પાણી પીવાના કારણે રાજુભાઈ મોહનભાઈ દેવીપૂજકના ૧૨ ઘેટાં અને ૧ બકરી સહિત કુલ ૧૩ પશુઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. પશુપાલકે આક્ષેપ કર્યો છે કે આ પાણી ઝેરી અથવા દૂષિત હોવાને કારણે તેમના પશુઓ કાળનો કોળિયો બન્યા છે. બીજી તરફ, પશુ દવાખાનાની લાપરવાહીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હોવાનો પણ આક્ષેપ કરાયો છે, જેના કારણે સ્થાનિક પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વાગરામાં પશુઓ પર તોળાયો કાળ: બનાવની વિગત મુજબ વાગરાના આહીર ફળિયામાં રહેતા પશુપાલક રાજુભાઈ મોહનભાઈ દેવીપૂજક જેઓ 1 માર્ચના રોજ સવારે પોતાના પશુઓને લઈને ચરાવવા માટે વાગરાથી સારણ જતાં માર્ગ પર આવેલી સીમમાં ગયા હતા. સાંજે પરત ફર્યા બાદ 2 માર્ચની સવારે જ્યારે તેમણે જોયું તો પશુઓના સમૂહમાં મોત થયા હોવાનું માલૂમ પડ્યું હતું. ગભરાયેલા પશુપાલક તાત્કાલિક વાગરાના સરકારી પશુ દવાખાને દોડી ગયા હતા, પરંતુ ત્યાં હાજર સ્ટાફે સાહેબ મીટિંગમાં છે, તેમ કહી ગલ્લાતલ્લા કર્યા હતા અને કોઈ ત્વરિત રિસ્પોન્સ આપ્યો ન હોવાનો આક્ષેપ કર્યો હતો. આખરે જ્યારે ડોક્ટરે આવીને ઈન્જેક્શન આપ્યા, ત્યાં સુધીમાં ૮ ઘેટાં અને ૧ બકરીના મોત થઈ ચૂક્યા હતા, અને ઈન્જેક્શન આપ્યા બાદ પણ વધુ ૪ ઘેટાંએ દમ તોડ્યો હતો.
જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા અન્ય પશુઓને બચાવવા પશુપાલકની આર્તનાદ: હાલમાં રાજુભાઈ પાસે રહેલી અન્ય 16 ઘેટી અને 9 બકરીઓ પણ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. આ ગરીબ પરિવાર માટે પશુઓ જ આજીવિકાનું એકમાત્ર સાધન છે, ત્યારે પશુઓના સામૂહિક મોતથી પશુપાલક પાયમાલ થઈ ગયા છે. તલાવડીનું પાણી પીવાથી આ હોનારત સર્જાઈ છે કે પછી અન્ય કોઈ ઝેરી કારણ છે. તે તપાસનો વિષય છે. પીડિત પશુપાલક હવે સરકાર અને તંત્ર પાસે વળતરની માંગ કરી રહ્યા છે. શું તંત્ર આ ગરીબ પશુપાલકની વ્હારે આવશે કે પછી ફાઈલોના ગૂંચવાડામાં આ મામલો દબાઈ જશે તે જોવું રહ્યું.
પશુ ચિકિત્સક ડો.સાજીદ વોહરાની સ્પષ્ટતા, ડુક્કર મારવાની દવાથી ફૂડ પોઈઝનિંગની આશંકા, ત્વરિત સારવાર અને વળતરની ખાતરી: તો બીજી તરફ વાગરાના પશુ ચિકિત્સક ડો. સાજીદ વોહરા સાથેની ટેલિફોનિક વાતચીતમાં આ સમગ્ર ઘટના અંગે નવી વિગતો પ્રકાશમાં આવી છે. તેમણે પશુપાલકના આક્ષેપો સામે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પશુઓની હાલત અંગે જાણ થતા જ વિભાગ દ્વારા ત્વરિત એક્શન લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં પશુઓના મોત પાછળનું કારણ તલાવડીના પાણીને બદલે ફૂડ પોઈઝનિંગ હોવાનું જણાઈ રહ્યું છે. ડોક્ટરના મતે, સીમમાં જંગલી ભૂંડ કે ડુક્કરને મારવા માટે ખેતરોમાં મૂકવામાં આવેલા ઝેરી દવા મિશ્રિત લાડવા ખાવાથી આ પશુઓને ઝેરી અસર થઈ હોવાની શક્યતા છે. ઘટનાની ગંભીરતાને જોતા પશુઓને તાત્કાલિક એન્ટીડોઝ આપવામાં આવ્યા હતા અને હાલમાં બાકીના પશુઓનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ડો.સાજીદ વોહરાએ વધુમાં ઉમેર્યું હતું કે, પશુઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ સ્પષ્ટ થશે અને તે રિપોર્ટના આધારે સરકારમાં રજૂઆત કરી પીડિત પશુપાલકને મહત્તમ વળતર અપાવવા માટે વિભાગ દ્વારા તમામ શક્ય પ્રયાસો કરવામાં આવશે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com