આમોદ તાલુકામાં સતત બીજા બનાવે નહેર વ્યવસ્થાની ગંભીર ખામીઓ બહાર લાવી છે. ભીમપુરા બાદ હવે બોડકા ગામ નજીકથી પસાર થતી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ સંચાલિત નહેર તૂટતાં ૧૦૦થી ૨૦૦ એકર જેટલી ખેતીમાં પાણી ફરી વળ્યું છે. સ્થળ પરથી મળેલા દૃશ્યો ચોંકાવનારા છે .નહેરની કાંકરીટ સાઇડ વોલ નીચે થી ખોખલી થઈ ગયેલી દેખાય છે. માળખું નબળું બન્યું અને અંતે દીવાલ તૂટી પડી. ભંગાણ પછી પાણીનો જોરદાર પ્રવાહ સીધો ખેતરોમાં ઘૂસી ગયો.
પાણી રોકવા તાત્કાલિક કોઈ અસરકારક પ્રયાસ થયો હોવાના નિશાન સ્થળ પર જોવા મળતા નથી. જે પાક બજારમાં વેચાણ માટે સંપૂર્ણ તૈયાર હતો.તે મગનો પાક થોડા જ કલાકોમાં પાણીમાં ગરકાવ થઈ ગયો. ખેતરોમાં ભરાયેલો કાદવ અને કાળા પડી ગયેલા છોડ સંપૂર્ણ નુકસાન તરફ ઈશારો કરે છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ તેમણે જમીન પર વ્યાજે ઉછીના રૂપિયા મેળવી મહેનતપૂર્વક પાક ઉભો કર્યો હતો. જ્યારે પાકને પાણીની જરૂર હોય ત્યારે પૂરતું પાણી મળતું નથી, અને જ્યારે જરૂર ન હોય ત્યારે બિનજરૂરી રીતે પાણી છોડવામાં આવે છે, એવો ગંભીર આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતો કહે છે કે અનેક વખત ફોન અને રજૂઆતો કરવા છતાં યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. નહેરની નિયમિત તપાસ અને સમયસર રિપેરિંગ કરવામાં ગંભીર બેદરકારી દાખવાઈ હોવાનો તેઓ આક્ષેપ કરે છે.
આ માત્ર ટેકનિકલ ખામી નથી. આ આયોજન અને દેખરેખની નિષ્ફળતા તરીકે જોવામાં આવી રહી છે. આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે આ નુકસાન જીવતરનો પ્રશ્ન બની ગયું છે. ૧૦૦ થી ૨૦૦ એકર સુધીનો પાક બરબાદ થવાથી લાખો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે.તાત્કાલિક અને મજબૂત સમારકામ, નુકસાનગ્રસ્ત પાકનું સ્વતંત્ર અને પારદર્શક સર્વે અને સંપૂર્ણ વળતર. આમોદ તાલુકામાં બે અલગ વિસ્તારોમાં નહેર ભંગાણની ઘટનાઓ બાદ હવે સવાલ સીધો ઊભો થયો છે, શું નહેરોની જાળવણી વ્યવસ્થા પ્રણાલીકૃત રીતે નિષ્ફળ ગઈ છે? હવે જોવાનું રહ્યું કે સંબંધિત તંત્ર સમયસર જવાબદારી સ્વીકારી કાર્યવાહી કરે છે કે પછી ખેડૂતોનો રોષ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. આમોદ તાલુકામાં આજે પાણી નહીં પરંતુ પ્રશ્નો વહી રહ્યા છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023