https://www.instagram.com/reel/DVc2ozkDDLU/?igsh=ZDF4bHFnazBscmd5
ભરૂચની ઐતિહાસિક વિરાસત અને ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન જામા મસ્જિદ હાલ વિવાદોના વંટોળમાં ઘેરાઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ચોંકાવનારા વીડિયોમાં કેટલીક મહિલાઓ મસ્જિદના પરિસરમાં ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે પૂજા કરતી નજરે પડતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના સમયે પોલીસકર્મીઓની હાજરી પણ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે, જેણે આ વિવાદમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે. વર્ષોથી આ સ્થળના મૂળ અસ્તિત્વને લઈને ચાલી રહેલા સંઘર્ષમાં આ ઘટનાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે, જેના કારણે શહેરમાં સાંપ્રદાયિક અને વહીવટી સ્તરે ચર્ચાએ જોર પકડ્યું છે.
નોંધનીય છે કે, સંત સમિતિ અને હિન્દુ સંગઠનો દ્વારા અગાઉથી જ આ સ્થળને મહાનુભાવ પંથના સ્થાપક શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ અને પ્રાચીન સમળી વિહાર જૈન મંદિર હોવાનો પ્રબળ દાવો કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે સંતોએ ભૂતકાળમાં ઉપવાસ આંદોલનો પણ કર્યા હતા અને મસ્જિદ પુરાતત્વ વિભાગ (ASI) હસ્તકની રક્ષિત ધરોહર હોવા છતાં, ત્યાં નિયમો વિરુદ્ધ મદરેસા સહિતની પ્રવૃત્તિઓ ચાલતી હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. બીજી તરફ, સ્થાનિક મુસ્લિમ આગેવાનોએ આ પૂજાની ઘટનાનો સખત વિરોધ નોંધાવતા જણાવ્યું છે કે ધાર્મિક સ્થળની પરંપરા અને વર્ષો જૂના નિયમોનું ઉલ્લંઘન અસ્વીકાર્ય છે. ઐતિહાસિક ધરોહરમાં સર્જાયેલી આ અણધારી ઘટનાને પગલે વહીવટી તંત્ર અને પુરાતત્વ વિભાગ આ સંવેદનશીલ મામલાને કેવી રીતે સંભાળે છે, તેના પર સૌની મીટ મંડાણી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com