Geo Gujarat News

સુરેન્દ્રનગરમાં અકસ્માતની વણઝાર, જસાપર અને હડાળા પાસે ગમખ્વાર દુર્ઘટના, રાજકોટ સુધી દોડતી થઈ એમ્બ્યુલન્સ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર જાણે અકસ્માતનું ગ્રહણ લાગ્યું હોય તેમ એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ ભયાનક દુર્ઘટનાઓ સર્જાઈ છે. હાઈવે પર કાળમુખા વાહનોની અડફેટે આવતા બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે દંપતી સહિત ચાર લોકો લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ભેગા થયા છે. પ્રથમ કિસ્સામાં, સાયલાની જસાપર ચોકડી પાસે મધ્ય પ્રદેશથી રોજીરોટી કમાવવા આવેલા ૪૮ વર્ષીય શ્રમિક મોવેલસિંગ વસુનિયાને પૂરપાટ ઝડપે આવતી કારે ઉડાવતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટનાના આઘાત વચ્ચે જ વણકી ગામના પાટિયા પાસે અન્ય એક અજાણ્યા વાહને બાઈક સવારોને કચડ્યા હતા, જેમાં ૩૫ વર્ષીય અરવિંદજી ઠાકોરનું કરૂણ મોત થયું હતું, જ્યારે તેમની સાથે રહેલા બે સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. માર્ગ અકસ્માતની આ હારમાળા અહીં જ ન અટકી, હડાળા ગામ પાસે માતાજીના દર્શને પગપાળા જઈ રહેલા ચોરવીરા ગામના રાજપૂત દંપતીને એક બેકાબૂ ટેમ્પો ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે દંપતી રોડ પર ફંગોળાયું હતું. તમામ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાઈવે પર લોહીના નિકા વહેતા કરી દેનારી આ ત્રણેય ઘટનાઓને પગલે સાયલા પોલીસે ગુનો નોંધી ફરાર વાહન ચાલકોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.