અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રેલવે ટ્રેક ઓળંગતી વખતે રાખવામાં આવેલી સાધારણ બેદરકારી બે વ્યક્તિઓ માટે કાળ સાબિત થઈ છે. આદર્શ નગર પોલીસ ચોકી પાસે આવેલા ફાટક નજીક ટ્રેનની અડફેટે આવતા બે લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ હૃદયદ્રાવક અકસ્માત પાછળ મોબાઈલ ફોનનું વળગણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાંના એક 47 વર્ષીય સત્યજિત શ્રીમાળી ટ્રેક ક્રોસ કરતી વખતે ફોન પર વાત કરવામાં એટલા મશગૂલ હતા કે તેમને યમદૂત બનીને આવતી ટ્રેનનો અવાજ સુદ્ધાં સંભળાયો નહીં. ચાલુ ફોને સર્જાયેલી આ ગફલતે ક્ષણવારમાં બે જિંદગીઓ છીનવી લીધી હતી. ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સત્યજિતભાઈ કોઈની સાથે વાતચીતમાં એટલા મગ્ન હતા કે તેમનું ધ્યાન ટ્રેન તરફ ગયું જ નહોતું. ટ્રેનની જોરદાર ટક્કરને કારણે બંને વ્યક્તિઓના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર રેલવે ટ્રેક પર મોબાઈલ વાપરવાના જોખમ સામે લાલબત્તી ધરી છે અને પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com