ભરૂચ જિલ્લાની આંગણવાડી કાર્યકર બહેનોએ સરકારની ઓનલાઈન કામગીરી સામે બગાવતનું રણશિંગું ફૂંક્યું છે. વર્ષ ૨૦૧૯માં આપવામાં આવેલા જૂના અને જર્જરિત મોબાઈલ ફોનને કારણે કામગીરી કરવામાં પડી રહેલી પારાવાર મુશ્કેલીઓને પગલે નેત્રંગ, ભરૂચ, ઝગડિયા અને અંકલેશ્વરની બહેનોએ આરપારની લડાઈનું એલાન કર્યું છે. બહેનોનો આક્ષેપ છે કે, પોષણ ટ્રેકર અને ફેસ કેપ્ચર જેવી જટિલ એપ્લિકેશનો ટેકનિકલ ખામીઓને કારણે યોગ્ય રીતે ચાલતી નથી, જેના કારણે બાળકોની હાજરી ખોટી નોંધાય છે. આ ક્ષતિગ્રસ્ત ડેટાને આધારે જ નાસ્તા અને આહારનું બિલ બનાવવાનું દબાણ કરવામાં આવતા, જે બાળકોની હાજરી નોંધાતી નથી તેમના ભોજનની જવાબદારી કોણ લેશે તેવો સવાલ ઉઠાવવામાં આવ્યો છે. આંગણવાડી બહેનોએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ડેટા એન્ટ્રીના અતિશય ભાર નીચે ICDS નો મૂળ હેતુ એટલે કે બાળકોનું પોષણ અને શિક્ષણ ક્યાંક ખોવાઈ રહ્યો છે. ઓછા પગારમાં માનસિક તણાવ આપતી આ કામગીરી સામે વર્ષ ૨૦૨૨થી નવા મોબાઈલની માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ તંત્રની ઘોર ઉપેક્ષાને કારણે હવે બહેનોના ધીરજની કસોટી થઈ રહી છે. વારંવારની રજૂઆતો નિરર્થક સાબિત થતા, અંતે આંગણવાડી વર્કરોએ ૫ માર્ચથી તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવાનો મક્કમ નિર્ણય લીધો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com