ભરૂચમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના અંત પૂર્વે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ એ બાકી લેણાં વસૂલવા માટે લાલ આંખ કરી છે. રેવન્યુ ટાર્ગેટ પૂરો કરવાના નિર્ધાર સાથે વીજ વિભાગે શહેરના પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્ય વિસ્તારોમાં સપાટો બોલાવ્યો છે. આ કડક ઝુંબેશ હેઠળ કુલ ૬,૨૯૦ ગ્રાહકો સામે કાર્યવાહીનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. જે પૈકી ૫,૬૧૨ ગ્રાહકોએ વીજ જોડાણ કપાઈ જવાની બીકે સ્થળ પર જ અંદાજે ૧.૬૦ કરોડ જેવી તોતિંગ રકમ જમા કરાવી દીધી હતી. જોકે, વારંવારની સૂચના છતાં બિલ ન ભરનારા ૮૩૮ ગ્રાહકોના વીજ જોડાણો સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા છે. DGVCLની આ ડ્રાઈવમાં પૂર્વ પેટાવિભાગમાંથી ૪૫.૩૮ લાખ અને પશ્ચિમ વિભાગમાંથી ૫૮.૪૩ લાખની વસૂલાત કરવામાં આવી છે. ગ્રામ્ય પંથકમાં પણ ૫૬.૪૬ લાખની રિકવરી સાથે વીજ કંપનીએ કડક વલણ અપનાવ્યું છે. વીજ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે ગ્રાહકોના જોડાણ કાપવામાં આવ્યા છે, તેમને ફરીથી કનેક્શન લેવા માટે માત્ર બાકી બિલ જ નહીં, પરંતુ રી-કનેક્શન ફી પણ ભરવી પડશે. સૌથી મહત્વની વાત એ છે કે, નવા જોડાણ વખતે હવે જૂના મીટરને બદલે ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. આ પ્રક્રિયામાં સમય લાગી શકે તેમ હોવાથી ગ્રાહકોએ હાલાકી ભોગવવી ન પડે તે માટે બાકી બિલ વહેલી તકે ભરી દેવા વીજ નિગમે અનુરોધ કર્યો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com