રાજકોટના મેટોડા GIDC વિસ્તારમાં મંગળવારની રાત્રિ લોહીયાળ સાબિત થઈ છે. કાલાવડ રોડ પર આવેલા ગેઈટ નંબર-3 પાસે એક બેકાબૂ ટ્રકે રિક્ષાને કચડી નાખતા સર્જાયેલા ભયાનક અકસ્માતમાં ચાર જિંદગીઓ હોમાઈ ગઈ છે. અકસ્માત એટલો ભીષણ હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં સવાર લોકો ઘટનાસ્થળે જ કાળનો કોળિયો બની ગયા હતા. આ દુર્ઘટનામાં રિક્ષા ચાલક સુનિલભાઈ, જે પોતાના પરિવારનો એકમાત્ર કમાઉ આધાર હતો, તેના મોતથી બે માસૂમ પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે અન્ય બે મૃતકોમાં સુરેન્દ્રનગરના સગા ભાઈઓ વિશાલ અને વિજય ગાંગડિયાનો સમાવેશ થાય છે, જેઓ અહીં મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતા હતા. ચોથા મૃતકની ઓળખ માટે પોલીસ હાલ પ્રયાસો કરી રહી છે. ઘટના બાદ નાસી છૂટેલા ટ્રક ચાલક બંસીભારતી ગોસ્વામીને પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે. જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉદ્યોગ નગરીમાં સર્જાયેલા આ કરુણ અકસ્માતને પગલે શ્રમિક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com