Geo Gujarat News

ભારત પર ગેસ સંકટના વાદળો, કતારે ગેસ પુરવઠામાં ફોર્સ મેજ્યોર જાહેર કરતા ઉદ્યોગોમાં ૪૦% કાપની શક્યતા

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ઈરાન દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ ડ્રોન હુમલાઓને પગલે વૈશ્વિક ઉર્જા ક્ષેત્રે મોટો ભૂકંપ આવ્યો છે. ભારતના સૌથી મોટા ગેસ પૂરવઠાકાર દેશ કતારે ગેસ ઉત્પાદન ઠપ થવાને કારણે ફોર્સ મેજ્યોર જાહેર કરી દીધી છે. આ કટોકટીને કારણે ભારતની ગેસ આયાત પર સીધી અસર પડી છે, જેને પગલે આગામી દિવસોમાં ભારતીય ઉદ્યોગોને મળતા ગેસ પુરવઠામાં ૪૦ ટકા સુધીનો મોટો કાપ ઝીંકાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ભારત તેની જરૂરિયાતનો ૪૦ ટકા LNG માત્ર કતાર પાસેથી જ ખરીદે છે, જેનો ઉપયોગ વીજળી ઉત્પાદન, ખાતર ઉદ્યોગ, CNG અને ઘરગથ્થુ પીએનજી જેવા મહત્વના ક્ષેત્રોમાં થાય છે. ભૌગોલિક દૃષ્ટિએ અત્યંત વ્યૂહાત્મક ગણાતો હોર્મુઝ સમુદ્ર માર્ગ ઈરાન દ્વારા બંધ કરી દેવામાં આવતા ઓઈલ અને ગેસના ટેન્કરો અધવચ્ચે અટકી પડ્યા છે. આ બ્લોકેજને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવમાં તો ઉછાળો આવ્યો જ છે, સાથે સાથે શિપિંગ ખર્ચ અને યુદ્ધ જોખમ વીમાના પ્રીમિયમમાં પણ તોતિંગ વધારો થયો છે. ભારતની અગ્રણી ગેસ આયાતકાર કંપની પેટ્રોનેટ એલએનજી લિમિટેડ દ્વારા વિતરણ કંપનીઓને સાવચેત કરી દેવામાં આવી છે. કતારમાં ઉત્પાદન બંધ થવાને કારણે સર્જાયેલી આ ખેંચને લીધે ભારતીય ગેસ કંપનીઓએ અત્યારથી જ ઉદ્યોગોને અપાતા પુરવઠા પર મર્યાદા લાદવાનું શરૂ કરી દીધું છે. વિશ્વમાં એલએનજીના ચોથા મોટા ખરીદદાર તરીકે ભારત માટે આ સ્થિતિ આર્થિક અને ઔદ્યોગિક રીતે પડકારજનક સાબિત થઈ શકે છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.