Geo Gujarat News

યુદ્ધના મેદાનમાં ડોલરનો ધુમાડો, ઈરાન સામેના જંગના પહેલા જ દિવસે અમેરિકાને ૬,૯૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ, ટ્રમ્પે આપ્યા લાંબા યુદ્ધના સંકેત

મધ્ય પૂર્વના રણમેદાનમાં અમેરિકા ફરી એકવાર યુદ્ધના ચક્રવ્યૂહમાં ફસાયું છે, જેની સીધી અસર તેની તિજોરી પર જોવા મળી રહી છે. ઈરાન વિરુદ્ધ છેડાયેલા સૈન્ય અભિયાનના પ્રથમ ૨૪ કલાકમાં જ અમેરિકાએ આશરે ૬,૯૦૦ કરોડ રૂપિયા ($૭૭૯ મિલિયન) જેવી જંગી રકમનો ધુમાડો કરી નાખ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ જંગ એક મહિનો કે તેથી વધુ સમય ચાલી શકે તેવા સંકેતો આપ્યા છે, જે સૂચવે છે કે આગામી દિવસોમાં વૈશ્વિક અર્થતંત્ર અને અમેરિકા પર આર્થિક બોજ હજુ વધશે. સેન્ટર ફોર ન્યુ અમેરિકન સિક્યુરિટીના અહેવાલ મુજબ, અમેરિકાએ મિડલ ઈસ્ટમાં વિશ્વના સૌથી મોટા વિમાનવાહક જહાજ USS જેરાલ્ડ આર ફોર્ડ સહિત બે કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ તૈનાત કર્યા છે, જેનું દૈનિક સંચાલન જ ૫૮ કરોડ રૂપિયા જેટલું ખર્ચાળ છે.યુદ્ધના મેદાનમાં સંસાધનોની એકત્રીકરણ અને નૌકાદળની તૈનાત પાછળ અત્યાર સુધીમાં અંદાજે ૫,૫૫૬ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. જો આ સંઘર્ષ ટ્રમ્પના અનુમાન મુજબ લાંબો ખેંચાય, તો નિષ્ણાતોના મતે અમેરિકાએ ૧૮.૮૭ લાખ કરોડ રૂપિયા ($૨૧૦ અબજ) જેવો મોટો આર્થિક ફટકો સહન કરવો પડી શકે છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર ૨૦૨૩થી અત્યાર સુધીમાં અમેરિકા ઇઝરાયલને ૨૧.૭ અબજ ડોલરની સૈન્ય મદદ કરી ચૂક્યું છે. બ્રાઉન યુનિવર્સિટીના કોસ્ટ ઓફ વોર રિપોર્ટ અનુસાર, વિવિધ મોરચે ચાલી રહેલા સૈન્ય અભિયાનોનો કુલ ખર્ચ ૩ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ભલે ગમે તેટલો સમય લાગે કે ગમે તેટલો ખર્ચ થાય, અમેરિકા આ યુદ્ધને અંત સુધી લઈ જવા માટે સંપૂર્ણ સજ્જ છે.

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.