જંબુસરના પાંજરાપોળ સ્થિત પટેલ ખડકીમાં ધુળેટી પર્વની એક અત્યંત રોમાંચક અને પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે, જે પેઢીઓ જૂની લોકવાયકાને આજે પણ જીવંત રાખે છે. અહીં હોલિકાના પ્રેમી ગણાતા ‘ઇલ્લાજી’ની માટીની પ્રતિમા બનાવીને તેની સ્મશાનયાત્રા કાઢવાની અનોખી રીત પ્રચલિત છે. દર વર્ષે હોળીના દિવસે ગામના તળાવની પવિત્ર માટીમાંથી ઇલ્લાજીની મૂર્તિ તૈયાર કરવામાં આવે છે, જેને ફળિયાના યુવાનો દ્વારા ધાણી-ચણાનો ભોગ ધરાવી પરંપરાગત વિધિઓ કરવામાં આવે છે. આ અનોખી પ્રથા પાછળ એક કરુણ પ્રેમકથા છુપાયેલી છે, જે ધુળેટીના રંગોના ઉદભવ સાથે જોડાયેલી માનવામાં આવે છે.
પૌરાણિક કથા મુજબ, ઇલ્લાજી હોલિકા સાથે વિવાહ કરવાના હતા, પરંતુ હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. બીજા દિવસે જ્યારે ઇલ્લાજી લગ્ન માટે પહોંચ્યા ત્યારે ત્યાં માત્ર રાખના ઢગલા જોઈ તેઓ અત્યંત વિચલિત થઈ ગયા હતા. વિરહની વેદનામાં ભાવવિભોર બનેલા ઇલ્લાજી તે રાખમાં આળોટવા લાગ્યા અને તેમાંથી જ અલગ-અલગ રંગો પ્રગટ્યા, જે ધુળેટીના પર્વની શરૂઆત મનાય છે. આ સ્મૃતિમાં ધુળેટીની સવારે પટેલ ખડકી અને આસપાસના રહીશો એકત્ર થઈ ઇલ્લાજીની પ્રતિમાને નનામીમાં સુવડાવી, ફૂલહાર પહેરાવી આરતી ઉતારે છે. ત્યારબાદ એક સ્વજનની વિદાય જેવી ગમગીન છતાં શ્રદ્ધાપૂર્વકની સ્મશાનયાત્રા કાઢવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાઈને આ ઐતિહાસિક પરંપરાનું વહન કરે છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com