વાગરા પંથકમાં રંગોના પર્વ ધૂળેટીની પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે હોલિકા દહન બાદ, બીજા દિવસે વહેલી સવારથી જ વાગરાના માર્ગો અને સોસાયટીઓ રંગબેરંગી ગુલાલથી મહેકી ઉઠી હતી. વસંતના આ ઉત્સવમાં શિસ્ત અને સ્નેહના રંગો ભળતા વાતાવરણ અત્યંત મનોહર બની ગયું હતું. વાગરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ લોકો ટોળેટોળામાં ઉતરી આવ્યા હતા. અને હોળી હૈ ના નાદ સાથે એકબીજાને રંગો રંગી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
વાગરા પંથકના અનેક વિસ્તારોમાં ધૂળેટી નિમિત્તે વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા, જેમાં તમામ વયજૂથના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ કરીને નાના બાળકોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. જેઓ સવારથી જ પિચકારીઓ અને પાણીના ગુબ્બારાઓ સાથે મસ્તીમાં મગ્ન જણાતા હતા. તો બીજી તરફ યુવાવર્ગમાં પણ તહેવારને લઈને ભારે ક્રેઝ જોવા મળ્યો હતો, જ્યાં મિત્ર મંડળોએ ડીજેના તાલે ગરબે ઘૂમીને અને એકબીજા પર ગુલાલની છોળો ઉડાડીને ઉત્સવનો આનંદ માણ્યો હતો. વડીલોએ પણ પરંપરા મુજબ એકબીજાને તિલક કરી મંગલકામનાઓ પાઠવી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સમગ્ર પંથકમાં રંગોના આ તહેવારને લઈને લોકોમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો. બપોર સુધી ચાલેલી આ રંગોની રમતમાં અમી છાંટણા થતા આખું વાતાવરણ રંગીન બની ગયું હતું. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વાગરા પોલીસ પણ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરતી નજરે પડી હતી. શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં ધૂળેટીની ઉજવણી સંપન્ન થતા તંત્ર અને સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. વાગરા પંથકની આ ઉજવણીએ ફરી એકવાર સાબિત કર્યું કે તહેવારો એ માત્ર પરંપરા નથી, પરંતુ પરસ્પર પ્રેમ અને એકતા મજબૂત કરવાનું માધ્યમ છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com