Geo Gujarat News

અંકલેશ્વર: ઐતિહાસિક ગામ તળાવમાં લાલચોળ પાણી દેખાતા તર્ક-વિતર્ક, પાલિકાએ ધુળેટીના રંગોને જવાબદાર ગણાવ્યા

અંકલેશ્વરના હાર્દ સમાન સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક પાસે આવેલા તળાવમાં અચાનક પાણીનો રંગ બદલાઈને લાલ થઈ જતાં અને સપાટી પર ફીણના થર જામતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. ઔદ્યોગિક ગઢ ગણાતા આ વિસ્તારમાં વારંવાર પ્રદૂષણની ફરિયાદો ઉઠતી હોવાથી, પ્રથમ દ્રષ્ટિએ આ કોઈ કેમિકલયુક્ત એસિડિક પાણી હોવાની આશંકા સેવાઈ રહી હતી. જોકે, આ ગંભીર જણાતી પરિસ્થિતિ વચ્ચે નગરપાલિકા પ્રશાસને એક અલગ જ ખુલાસો કર્યો છે.મુખ્ય અધિકારી કેશવ ક્લોડીયાના જણાવ્યા અનુસાર, હાલમાં જ સંપન્ન થયેલા ધુળેટીના પર્વને કારણે આ સ્થિતિ સર્જાઈ હોઈ શકે છે. નહેરોમાં સ્નાન કરવા ગયેલા શ્રદ્ધાળુઓ અને નાગરિકોના શરીર પરના રંગો પાણીમાં ભળ્યા હોવાથી તે વહેતા-વહેતા તળાવ સુધી પહોંચ્યા હોવાની શક્યતા પાલિકાએ વ્યક્ત કરી છે.સાવચેતીના પગલારૂપે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તળાવમાં પાણી આવતા ઇનલેટ વાલ્વને બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી વધુ પ્રદૂષિત પાણી અંદર ન પ્રવેશે. હાલ તબક્કે અધિકારીઓ પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં હોવાનું જણાવી રહ્યા છે અને પાણીની ગુણવત્તાની વધુ તપાસ માટે સંબંધિત વિભાગોને દોડતા કરવામાં આવ્યા છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.