આમોદ તાલુકાના ઓચ્છણ ગામે પાટણવાડીયા ઠાકોર સમાજ દ્વારા આયોજિત બે દિવસીય ઓક્શન બેઝ ક્રિકેટ ટુર્નામેન્ટે ગ્રામ્ય સ્તરે રમતગમતનું એક ભવ્ય અને વ્યવસ્થિત મોડેલ રજૂ કર્યું હતું. યુવાનોને રમતગમત સાથે સંકળાવવા અને સમાજમાં એકતા મજબૂત બનાવવા હેતુસર યોજાયેલી આ સ્પર્ધામાં વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના કુલ અંદાજિત ૨૦૦થી વધુ રમતવીરો સાથે ૧૨ ટીમોએ ભાગ લીધો હતો. જિલ્લા રમતગમત કમિટીના સભ્યો જગદીશ ઠાકોર ધાવટ અને જયેશ ઠાકોર તેલોદના માર્ગદર્શન હેઠળ આયોજિત ટુર્નામેન્ટમાં ખેલાડીઓની પસંદગી ઓક્શન પદ્ધતિથી કરવામાં આવી હતી, જેના કારણે સ્પર્ધામાં વ્યાવસાયિક માહોલ અને પારદર્શકતા બંને જોવા મળ્યા હતા.
રમતના મેદાન પર ઉત્સાહ, સ્પર્ધાત્મકતા અને રમતિયાળ ભાવનાનું અનોખું સંમિશ્રણ જોવા મળ્યું હતું. ફાઇનલ મુકાબલામાં આમોદની માહી ઇલેવન ચેમ્પિયન બની, જ્યારે વેડચા ગામની મસાની ઇલેવન રનર્સ-અપ રહી હતી. બે દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટનું યુ-ટ્યૂબ પર લાઈવ પ્રસારણ, સુવ્યવસ્થિત ભોજન વ્યવસ્થા અને શિસ્તબદ્ધ આયોજન દ્વારા સમાજે સંકલન અને એકતાનું પ્રભાવશાળી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં આવા સ્તરની રમતોત્સવનું આયોજન સ્થાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપતું અને સમાજમાં સકારાત્મક ઉર્જા જગાડતું સાબિત થયું છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023