સાબરકાંઠાના ઈડર તાલુકાના લાલોડા ગામમાં એક હડકાયા શ્વાને ભેંસનો શિકાર બનાવતા સમગ્ર પંથકમાં ભય અને આશ્ચર્યનો માહોલ સર્જાયો છે. સાત દિવસ પૂર્વે શ્વાન કરડ્યા બાદ પશુમાં હડકવાના ગંભીર લક્ષણો જણાતા પશુપાલકના જીવ તાળવે ચોંટ્યા હતા, અને આજે આ ભેંસનું મોત થતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ કિસ્સામાં સૌથી વધુ ચિંતાજનક બાબત એ સામે આવી છે કે, ભેંસ હડકવાગ્રસ્ત હતી તે દરમિયાન તેનું દૂધ પરિવાર અને આસપાસના અંદાજે ૨૦થી વધુ લોકોએ વાપર્યું હતું, જેના કારણે હવે આ તમામ લોકો પર હડકવાનું જોખમ મંડરાઈ રહ્યું છે. ભેંસના મોત બાદ ચેપ લાગવાની પ્રબળ આશંકાને પગલે દૂધ પીનારા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે ૨૦થી વધુ ગ્રામજનો તાત્કાલિક ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. ઈમરજન્સી વિભાગમાં ફરજ પરના ડૉ. સંજયકુમાર ચૌહાણે પરિસ્થિતિની ગંભીરતા પારખીને તાત્કાલિક તમામ લોકોને હડકવા વિરોધી રસી આપવાની પ્રક્રિયા હાથ ધરી હતી. તબીબોના જણાવ્યા અનુસાર, હડકવાગ્રસ્ત પશુના દૂધના સેવનથી સંક્રમણ ફેલાવવાનો ભય રહેતો હોવાથી આ દર્દીઓને રસીના ચાર ડોઝનો સંપૂર્ણ કોર્સ પૂરો કરવા કડક સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે કૂતરા કરડવાથી હડકવા થતો હોય છે, પરંતુ દૂધ વાટે સંક્રમણની આ દુર્લભ ઘટનાએ પશુપાલકો અને સ્થાનિકોની ચિંતામાં મોટો વધારો કર્યો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com