પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા ભીષણ જંગની આંચ હવે ભારતની ઉર્જા સુરક્ષા સુધી પહોંચી છે. ઈરાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર પ્રતિબંધ લાદતા વૈશ્વિક તેલ બજારમાં હલચલ મચી ગઈ છે. ભારત પોતાની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના ૮૫ ટકા આયાત કરે છે, જેમાંથી ૬૦ ટકા પુરવઠો આ જ જોખમી માર્ગેથી આવે છે. આ સંકટને પગલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ અને મૌન સામે આકરા પ્રહારો કર્યા છે. રાહુલે ચેતવણી આપી છે કે ભારતનો ૪૦ ટકા તેલ પુરવઠો અને એલએનજી સપ્લાય જોખમમાં છે, છતાં વડાપ્રધાન કોઈ મક્કમ સ્ટેન્ડ લેવાને બદલે સમાધાનકારી વલણ અપનાવી રહ્યા છે.
યુદ્ધના છઠ્ઠા દિવસે સ્થિતિ વધુ સ્ફોટક બની છે. હોર્મુઝમાં અનેક ભારતીય ટેન્કરો ફસાયા છે અને ક્રૂડ ઓઈલના ભાવમાં બે ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. ખાસ કરીને હિંદ મહાસાગરમાં ઈરાની યુદ્ધજહાજ ડૂબાડી દેવાની ઘટના બાદ ભારતીય સરહદ નજીક સૈન્ય હલચલ વધી છે. જોકે, સરકારી સૂત્રોનું કહેવું છે કે ભારત પાસે હાલમાં ૨૫ દિવસ ચાલે તેટલો પેટ્રોલિયમ ઉત્પાદનોનો સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ જો હોર્મુઝ માર્ગ લાંબો સમય બંધ રહેશે તો દેશમાં ઈંધણની ભારે અછત અને મોંઘવારીનું સંકટ સર્જાઈ શકે છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com