ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના આકસ્મિક નિધન બાદ સર્જાયેલી વૈશ્વિક કટોકટી વચ્ચે ભારતે ઈરાન પ્રત્યે મક્કમ સહાનુભૂતિ અને રાજદ્વારી એકજૂથતા પ્રદર્શિત કરી છે. ભારત સરકાર વતી વિદેશ સચિવ વિક્રમ મિસરીએ નવી દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં રાખવામાં આવેલી શોક પુસ્તિકામાં હસ્તાક્ષર કરી ભારતની સંવેદના વ્યક્ત કરી હતી. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ઈરાન માટેના આ મુશ્કેલ સમયમાં ભારતનું આ વલણ બંને દેશો વચ્ચેના ગાઢ અને ઐતિહાસિક સંબંધોની સાક્ષી પૂરે છે. ઉલ્લેખનીય છે કે, ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં ૮૬ વર્ષીય અલી ખામેનેઈનું મૃત્યુ થયું હતું. ૧૯૮૯થી ઈરાનની સત્તાના શિખર પર બિરાજમાન ખામેનેઈ માત્ર એક નેતા જ નહીં, પરંતુ ઈરાની ઈસ્લામિક ગણરાજ્યના પાયાના પથ્થર સમાન હતા. તેમના અવસાનથી મધ્ય-પૂર્વના દેશોમાં સત્તાનું સંતુલન ખોરવાયું છે અને વિશ્વભરમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઉથલપાથલના આ માહોલમાં ભારતે નૈતિકતા અને રાજદ્વારી શિષ્ટાચાર જાળવી રાખીને શાંતિનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com